મહિલાઓએ આત્મ સુરક્ષાના ઉપાયો વિચારવા જ પડશે
આપણા સમાજમાં ભિન્ન ભિન્ન સંસ્કૃતિના લોકો રહે છે અને તેમના વિચારો એકબીજા સાથે ટકરાય છે, તે ઉપરાંત કેટલીક સામાજિક કુરીતિઓ પણ જાેવા મળે છે
તાજેતરમાં સુરતમાં ગ્રીષ્મા વેકરિયા નામની એક યુવતીની સરેરાહ હત્યાનો બનાવ બન્યો. જેના પગલે યુવતીઓની સલામતીના સવાલો વાલીઓના મનમાં થાય તે સ્વાભાવિક છે. યુવતીઓને કઈ રીતે આત્મનિર્ભર બનાવવી તેના વિશે અને ઘરમાં એકલી રહેતી મહિલાઓની સુરક્ષા માટેની ચર્ચામાં કેટલાક ઉપાયો શેર થઈ રહ્યાં છે.
ફ્લેટ, બંગલા, એપાર્ટમેન્ટ કે સોસાયટીમાં એકલી રહેતી મહિલા કે પતિ કામ પર જતાં ઘરમાં એકલી રહેતી સ્ત્રી પર જાેખમ વધી ગયું છે. આજની સ્ત્રી બહારની દુનિયામાં તથા ઘરની ચાર દીવાલોની અંદર પણ સુરક્ષીત નથી. મહિલાઓની આ એકલતા કોઈ મુસીબતને આમંત્રણ આપે છે. અપરાધજગતના લોકો આવી મહિલાઓે નિશાન બનાવતાં હોય છે.
માનસિક અને શારીરિક એકલતા વ્યક્તિને માટે જાેખમી સાબિત થાય છે. માનસિક એકલતા તેની લાગણીઓને હણી નાંખે છે જ્યારે શારીરિક એકલતા તેના જીવન માટે જાેખમી પુરવાર થાય છે. કોઈ અસામાજિક તત્વને ખબર પડી જાય કે, ફલાણા નંબરન ઘરમાં પુરુષ સવારથી જવા નીકળે છે અને મોડી રાત્રે આવે છે ત્યારે તે મહિલાને નિશાન બનાવવામાં આવે છે.
આપણા સમાજમાં ભિન્ન ભિન્ન સંસ્કૃતિના લોકો રહે છે અને તેમના વિચારો એકબીજા સાથે ટકરાય છે. તે ઉપરાંત કેટલીક સામાજિક કુરીતિઓ પણ જાેવા મળે છે. સમાજના પ્રત્યેક વર્ગમાં વસતાં લોકોની સ્ત્રી પ્રત્યે જાેવાનાં દૃષ્ટિકોણ પણ વેગળો હોય છે. મોટા શહેરોમાં વસતાં લોકોનો એકબીજા સાથેનો સંબંધ એકદમ મર્યાદિત હોય છે.
એક પાડોશી બીજા પાડોશીને ઓળખતો નથી. તે જ કારણે સામાજિક અપરાધોની સંખ્યા વધી રહી છે. સલામતીની દૃષ્ટિએ ઘરમાં એકલી રહેતી મહિલાઓની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. વાસ્તવમાં એકલી રહેતી મહિલાઓએ ચિત્તાની જેમ ચપળ અને સજાગ રહેવું જાેઈએ. તેઓ ઘરમાં છે એટલે સલામત છે એવું માની ન શકાય.
આવું વિચારીને બેજવાબદારીભર્યું વર્તન કરવું તેમના માટે મુસીબત નોતરે છે. આજની શિક્ષિત મહિલાઓ ખરા અર્થમાં જાગૃત બની છે. ખરી આવી મહિલાઓએ હોંશિયારીથી પરિસ્થિતિનો સામનો કરવો જાેઈએ તથા પ્રતિકૂળ પરિસ્થિતિ ન નિર્માણ થાય તથા તેવી મુસીબતનો સામનો ન કરવો પડે તે રીતે રહેવું જાેઈએ.
આવી સ્થિતિઓને ભયરહિત બનાવવા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે. તથા કેટલીક જગ્યાએ સભાઓ પણ યોજવામાં આવે છે. અને રેસિડન્ટ્સ વેલફેર એસોસિએશન સાથે સંપર્ક જાળવી રાખવામાં આવે છે. સુરક્ષાની દૃષ્ટિએ જુદી જુદી ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે.
જે વિસ્તારના પોલીસ મથકમાં મહિલા ઈન્સ્પેક્ટર હોય છે ત્યાં આવી ઘટનાઓ ઓછી બને છે. અને મહિલાઓ પણ તેમને મળવામાં સંકોચ અનુભવતી નથી. આ બધા પ્રબંધો હોવા ઉપરાંત મહિલાઓએ તેની વ્યક્તિગત સુરક્ષા કરવાની હોય છે.