હોળી દહનમાં જમીનમાં દાટેલો કુંભ શું સુચવે છે જાણો છો?
હોલી દહન બાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે, ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે.
ગુજરાતમાં હર્ષ અને ઉલ્લાસભેર હોળી-ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હોળીની ઉજવણી વચ્ચે વર્ષો જૂની પરંપરાઓ પણ હજી જીવંત છે.
આ વર્ષે પણ ગીર સોમનાથ જિલ્લાના કોડિનારનાં દેદાની દેવળી ગામે હોળિકા દહન બાદ હોળીની જાળ જે દિશા તરફ જાય તેના પરથી અને હોળીની વચ્ચે રાખેલા કાચા ધાન્યના કુંભ પરથી આગામી ચોમાસાનો વરતારો પણ કાઢવામાં આવ્યો હતો. આ વરતારા બાદ વર્ષ સારું હોવાનું જાણી લોકો ખુશ થઈ ગયા હતા.
ગીર સોમનાથ જિલ્લાના દેવળી ગામમાં ભવ્ય હોળી પ્રગટાવી હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હોળીનાં દિવસે આ વર્ષ કેવો વરસાદ પડશે તેનો વરતારો પણ કાઢવામાં આવ્યો હતો. હોલી દહન બાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે, ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે.
આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાય તેના પરથી આવનારા વર્ષનો વરતારો કરવામાં આવે છે. પવનની દિશા પરથી આ વર્ષનો વરતારો ગામના વડીલો કાઢે છે. આ વખતે ૧૬ આની વર્ષ હોવાનું માનવામાં આવે છે.
એટલે કે પાક અને પાણીનું ચિત્ર સારું રહેશે. ગામ લોકોનાં કહેવા પ્રમાણે, સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે. જેના પગલે જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.