અમદાવાદમાં સ્કુલ વાહનોનું આરટીઓ દ્વારા ચેકિંગ
(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ પોલીસતંત્ર અને આરટીઓ વિભાગ સતર્ક બન્યું છે છેલ્લા એક વર્ષથી સ્કુલ વાહનોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે રાજયભરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ ફરી એક વખત આરટીઓના અધિકારીઓ હરકતમાં આવ્યા છે.
આજે સવારથી જ શહેરના ન્યુ સી.જી.રોડ તથા જાધપુર સહિતના વિસ્તારોમાં જુદી જુદી ટીમો બનાવી સ્કુલના વાહનોની ચકાસણી શરૂ કરવામાં આવી છે પ્રથમ દિવસે જ કેટલાક વાહનોમાં ક્ષતીઓ જણાઈ છે જેના પગલે આવા વાહનોના માલિકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આર.ટીઓના ચેકીંગના પગલે સ્કુલ વાહનોના માલિકોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગેની વિગત એવી છે કે સ્કુલમાં ભણતા બાળકોને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા વાહનોમાં ક્ષમતા અને નિયમ કરતા વધુ પ્રમાણમાં બાળકો બેસાડવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી જેના પગલે આવા વાહનો સામે પગલાં ભરવાની કાર્યવાહી ગયા વર્ષથી શરૂ કરવામાં આવી છે સ્કુલ વાહનોના ફિટનેશ સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવ્યા હતા જેના પગલે વિદ્યાર્થીઓના ભાવિ પર કોઈ ખતરો ન મંડરાય તેવી કામગીરી શરૂ કરાઈ છે.
રાજયભરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે અને સવારથી જ શહેરના તમામ માર્ગો પર સ્કુલ રીક્ષાઓ તથા સ્કુલ બસો ફરતી જાવા મળી રહી છે.
નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ આરટીઓ તંત્ર પણ સતર્ક બની ગયું છે ગઈકાલ સાંજથી જ આરટીઓ કચેરીમાં ભારે ધમધમાટ જાવા મળતો હતો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સત્રના પ્રારંભથી જ સ્કુલ વાહનોનું ચેકિંગ કરવાનો નિર્ણય લેવાયો હતો અને આ માટે ગઈકાલ સાંજથી જ બેઠકોનો દોર શરૂ થયો હતો.
આરટીઓના અધિકારીઓની બેઠકમાં શહેરના પોશ વિસ્તારમાં સ્કુલ વાહનોનું ચેકિંગ કરવાનો નિર્ણય લેવાયો હતો અને આ માટે જુદી જુદી ટીમો પણ બનાવવામાં આવી હતી અને તે મુજબ આજ સવારથી જ શહેરના ન્યુ સી.જી.રોડ અને જાધપુર ચાર રસ્તા પાસે પસાર થતાં તમામ સ્કુલ વાહનોનું ચેકિંગ શરૂ કરાયું છે.