મેડિકલ વિદ્યાર્થીનો મૃતદેહ ૨૦ દિવસ બાદ બેંગલુરુ પહોંચ્યો
બેંગલુરુ, રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો પાર્થિવ દેહ રવિવારે મોડી રાતે બેંગલુરુ પહોંચ્યો. નવીન રશિયા દ્વારા થઈ રહેલા બોમ્બમારાનો ભોગ બન્યો હતો અને ત્યારબાદ તેનો મૃતદેહ ભારત લાવવા માટે સતત પ્રયત્નો ચાલુ હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાલમાં થયેલી બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે નવીનના મૃતદેહને લાવવાની દરેક શક્ય કોશિશ કરવામાં આવે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ પણ બેંગલુરુ એરપોર્ટ પહોંચ્યા. તેઓ સવારે નવ વાગે નવીનના પરિજનોને સાંત્વના આપવા માટે રવાના થશે.
૨૧ વર્ષના નવીનનું ઘર કર્ણાટકમાં હાવેરી જિલ્લામાં છે. નવીન ખારકીવમાં મેડિકલનો અભ્યાસ કરતો હતો. તેના મિત્રએ જણાવ્યું હતું કે તે સવારે ભોજન અને જરૂરી સામાન લેવા માટે બંકરમાંથી બહાર નીકળ્યો હતો. ત્યારે જ હુમલો થતા તેનો જીવ ગયો. નવીનના મિત્ર શ્રીકાંતના જણાવ્યાં મુજબ તે અને નવીન ક્લાસમેટ હતા. તે ખારકીવમાં થોડા દિવસથી બંકરમાં રહેતા હતા.
નવીન ૧ માર્ચના રોજ સવારે થોડો સામાન લેવા માટે બંકરમાંથી બહાર ગયો હતો. ખારકીવમાં સાંજે ૩ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ હતો. નવીન સવારે ૬ વાગ્યા બાદ જરૂરી સામાન લેવા ગયો હતો. તે સમયે બાકીના વિદ્યાર્થીઓ સૂતા હતા. ત્યારે તે રશિયન સેના દ્વારા કરાયેલા હુમલાની ઝપેટમાં આવી ગયો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગભગ ૭ દિવસ પહેલા રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિ પર એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં પીએમ મોદીએ નવીનના મૃતદેહને ભારત લાવવાની દરેક શક્ય કોશિશ કરવાના આદેશ આપ્યા હતા. અત્રે જણાવવાનું કે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં મોટા પાયે ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. જેમની સુરક્ષિત વાપસી માટે સરકારે ઓપરેશન ગંગા ચલાવ્યું હતું.SSS