ત્રણ દિવસમાં ત્રણ હત્યા: પુત્રીને મોકલવાની ના પાડતાં જમાઇએ સાસુનું ઢીમ ઢાળી દીધું
અમદાવાદ, અમદાવાદમા છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ હત્યાની ઘટનાઓ સામે આવતા ચકચાર મચી ગઇ છે. રખિયાલમાં આધેડ તેમજ સાબરમતીમાં યુવકની હત્યા બાદ ગઇકાલે મોડી રાતે બાપુનગરમાં મહિલાની હત્યા થઇ છે. પુત્રીને મોકલવાની ના પાડતા ચોર જમાઇએ સાસુનું ઢીમ ઢાળી દીધું છે જ્યારે સસરા પર છરી વડે હૂમલો કર્યો છે. જમાઇએ બીજી યુવતી સાથે લગ્ન કરી દીધા બાદ પણ પહેલી પત્ની સાથે રહેવા માગતો હતો. જેથી મામલો બીચક્યો હતો.
બાપુનગર વિસ્તારમાં આવેલી વિષ્ણુની ચાલીમાં રહેતા ટીનાભાઇ રાજભેર બાપુનગર પોલીસ સ્ટેશનમાં દીધુ બહાદુરભાઇ પગી વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. ટીનાભાઇ કન્ટ્રક્શનની ઓફિસમાં પ્યૂન તરીકે નોકરી કરે છે અને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે.
બાપુનગરમાં ટીનાભાઇ પત્ની સાવિત્રીબહેન, દીકરી શ્રદ્ધાકુમારી અને પુત્ર વિકાસ સાથે રહે છે. વર્ષ ૨૦૨૦માં શ્રદ્ધાએ વસ્ત્રાલ ખાતે આવેલી શિવમ આવાસ યોજનાના મકાનમાં રહેતા દીપુ બહાદુરભાઇ પગી સાથે ફૂલહાર કરીને પ્રેમ લગ્ન કરી દીધા હતા. દોઢેક વર્ષ સુધી શ્રદ્ધા દીપુ સાથે રહી હતી અને બાદમાં ચોરીના કેસમાં ઝડપાતા તે પરત તેના માતા પિતા સાથે આવી ગઇ હતી.
દીપુએ જ્યોત્સના દંતાણી નામની યુવતી સાથે લગ્ન કરી દીધા હતા તેમ છતાંય તે શ્રદ્ધાના ઘર પાસે આવતો હતો અને તેની માતાને કહેતો હતો કે મેં જ્યોત્સના સાથે લગ્ન કરી દીધા છે પરંતુ હુ તમારી દીકરી શ્રદ્ધાને રાખીશ. હું જ્યોત્સનાને પણ રાખીશ અને શ્રદ્ધાને પણ રાખીશ, તેમ કહીને દીપુ સાવિત્રીબહેન સાથે બબાલ કરતો હતો અને તમારી દીકરીને મારી સાથે મોકલો તેમ કહેતો હતો. અવારનવાર દીપુ આવતો હતો અને સાવિત્રીબહેન સાથે ઝઘડો કરીને નાસી જતો હતો.
ગઇકાલે રાતે ટીનાભાઇ, સાવિત્રીબહેન, શ્રદ્ધા અને વિકાસ ઘરે હાજર હતા ત્યારે દીપુ આવયો હતો અને ઘરની થોડેક દૂર ઊભો રહીને બૂમાબૂમ કરવા લાગ્યો હતો કે તમારી દીકરી શ્રદ્ધાને મારી સાથે મોકલો.
દીપુની વાત સાંભળતાની સાથે જ ટીનાભાઇ અને સાવિત્રીબહેન તેની પાસે ગયા હતા અને કહ્યું હતું કે તે બીજા લગ્ન કરી દીધા છે જેથી શ્રદ્ધાને તારી સાથે કદી નહીં મોકલીએ. આજ પછી તે અમારા ઘરે આવતો નહીં તેમ સાવિત્રીબહેને કહેતા દીપુ ઉશ્કેરાયો હતો અને ગાળો બોલીને મારામારી શરૂ કરી દીધી હતી.
ટીનાભાઇને મારથી છોડાવવા માટે સાવિત્રીબહેન અને શ્રદ્ધા વચ્ચે પડ્યા હતા. જાેકે દીપુએ તેમને પણ માર માર્યો હતો અને બાદમાં તેના ખિસ્સામાંથી છરી કાઢીને હુલાવી હતી. દીપુએ ટીનાભાઇને છરીના બે ઘા ઝીંકી દીધા હતા બાદમાં સાવિત્રીબહેનને પેટના ભાગે છરી મારી દીધી હતી. સાવિત્રીબહેન ઇજાગ્રસ્ત હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા અને દીપુ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.
ઇજાગ્રસ્ત સાવિત્રીબહેન અને ટીનાભાઇ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ સાવિત્રીબહેનને તબીબોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે ટીનાભાઇની આઉટડોર સારવાર કરી હતી. ઘટનાની જાણ બાપુનગર પોલીસને થતાં તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સાવિત્રીબહેનની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. બાપુનગર પોલીસે આ મામલે દીપુ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.(એનઆર)