ઓઢવમાં સગીરા કારમાં ૩૬ બોટલ દારૂ સાથે ઝડપાઈ
(એજન્સી)અમદાવાદ, ઓઢવ વિસ્તારમાં એક કારમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળતા પોલીસ ત્યાં પહોચી હતી. પોલીસ બાતમી વાળી જગ્યા પર પહોચી તો કારમાં દારૂનો જથ્થો રાખનાર એક સગીરા ઝડપાઈ ગઈ હતી.
સગીરા પાસેથી દારૂનો માલ પોલીસે કબજે કર્યો પપણ તેની પુછપરછમાં સામે આવ્યું કે, તેણી જ મકાનમાં ઘરઘાટી તરીકે કામ કરતી હતી તે મહિલા અને તેની પુત્રી સહીત ત્રણ લોકો આ માલ લાવ્યા હતા અને તેને છૂટક વેચાણ કરવાનું કામ સોપ્યું હતું.
ઝોન પ સ્કવોડની ટીમને બાતમી મળી હતી કે દારૂની હેરાફેરી કરનાર ગાડી લઈને પસાર થવાના છે. જે નંબરના આધારે ઓઢવ આદીનાથ નગરની એક સોસાયટી પાસે ટીમ પહોચી હતી. બાતમી પણ એવી હતી કે કોઈ યુવતી દારૂની હેરાફેરી કરવાની છે. જેથી ઓઢવ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ અને મહિલા પોલીસકર્મીનો સ્ટાફ પણ બોલાવાઈ લેવાયો હતો.
બાતમી વાળી જગ્યા પર પોલીસ પહોચી તો ત્યાં અલ્ટો કારમાં દારૂનો જથ્થો ભરી સગીરા સગેવગે કરવા નીકળતી હતી. જેથી પોલીસે તે સગીરાને પકડી તેના માતા પિતા તે જ સ્થળ પર રહેતા હોવાથી તેઓને બોલાવી જાણ કરી હતી.
આ સગીરાને બાદમાં અલાયદી જગ્યાએ વુમન પોલીસ સ્ટાફ સાથે લઈ જવાઈ અને બાદમાં તેની કારની તપાસ કરતા ૩ પેટી દારૂની અને ૩૬ બોટલોનો જથ્થો પણ મળી આવ્યો હતો. સગીરાની પુછપરછ કરતા આ જથ્થો તે ગીતાબા સોલંકી તથા તેમની દીકરી તથા ભાઈ નિર્સગ ઉર્ફે ભગો લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સગીરા ગીતાબાના મકાનમાં જ ઘરઘાટી તરીકે નોકરી કરે છે. અને આ દારૂનાં જથ્થાનું ધ્યાન રાખવા તથા તેને છુટક વેચાણ કરવા રાખી હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું.