Western Times News

Gujarati News

આપ હરભજન સિંહ સહિત પાંચને રાજ્યસભામાં મોકલશે

નવી દિલ્હી, આમ આદમી પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે પોતાના પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૯૨ બેઠકો પર જીત મળી છે. આ જબરદસ્ત જીત બાદ હવે પંજાબ કોટાથી આમ આદમી પાર્ટી પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, રાધવ ચડ્‌ઢા, અને ડૉ. સંદીપ પાઠક, અશોકકુમાર મિત્તલ અને સંજીવ અરોરાને રાજ્યસભા મોકલશે. ૩૧ માર્ચના રોજ પંજાબની ૫ રાજ્યસભા બેઠક માટે ચૂંટણી થશે.

રાજ્યસભા માટે નામાંકન કરવાનો આજે છેલ્લો દિવસ છે. હરભજન સિંહનું નામ ચર્ચામાં તો હતું પરંતુ બાકીના નામો માટે અટકળો ચાલી રહી હતી. આવામાં આજે પાર્ટી તરફથી હવે સસ્પેન્સ ખતમ કરી દેવાયું છે. પંજાબના ૭ રાજ્યસભા સભ્યોમાંથી ૫નો કાર્યકાળ ૯ એપ્રિલના રોજ પૂરો થઈ રહ્યો છે. આ વખતે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧૧૭ બેઠકોમાંથી ૯૨ બેઠક જીતી છે.

એવામાં માનવામાં આવી રહ્યું છે કે પ્રદેશની ૭માંથી ૬ રાજ્યસભા સીટ આપના ફાળે જશે. પંજાબમાં જે ૫ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તેમાં સુખદેવ સિંહ, પ્રતાપ સિંહ બાજવા, શ્વેત મલિક, નરેશ ગુજરાલ, અને શમશેર સિંહ દુલ્લો સામેલ છે.

આપે ઉમેદવાર તરીકે લવલી યુનિવર્સિટીના ચાન્સેલર અશોકકુમાર મિત્તલનું નામ ફાઈનલ કર્યું છે. તેઓ શિક્ષણ ક્ષેત્રમાં પોતાના કામ અને સમાજસેવા માટે જાણીતા છે. સામાન્ય પરિવારમાંથી આવનારા અશોક મિત્તલે પોતાના દમ પર સફળતા મેળવીને સમાજ તથા પંજાબની સેવા માટે એલપીયુની સ્થાપના કરી હતી.

જાણીતા પૂર્વ ક્રિકેટર હરભજન સિંહને તો કોણ નથી ઓળખતું? આ બાજુ રાઘવ ચડ્‌ઢાની વાત કરીએ તો રાધવ ચડ્‌ઢા દિલ્હી જળ બોર્ડના ઉપાધ્યક્ષ પણ છે. રાજનીતિમાં આવતા પહેલા રાઘવ ચડ્‌ઢા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નોકરી કરતા હતા. રાઘવ નીડર થઈને પોતાની વાત રજુ કરવા માટે જાણીતા છે.

હાલમાં રાઘવ ચડ્‌ઢા દિલ્હી વિધાનસભાની રાજેન્દ્રનગર સીટથી ધારાસભ્ય છે. તેઓ જાે રાજ્યસભા પહોંચશે તો દેશમાં સૌથી ઓછી ઉંમરના રાજ્યસભા સાંસદ હશે. આ અગાઉ ૩૫ વર્ષના મેરીકોમ સૌથી યુવા સાંસદ બન્યા હતા. આ ઉપરાંત તેમણે રાજ્સભામાં જવા માટે પોતાની વિધાનસભા સીટ પણ છોડવી પડશે.

ડૉ.સંદીપ પાઠક આઈઆઈટી દિલ્હીમાં ફિઝિક્સના જાણીતા પ્રોફેસર છે. સંદીપ પાઠકને બૂથ લેવલ સુધી સંગઠન બનાવવામાં મહારથ હાંસલ છે. આ અગાઉ ૨૦૨૦ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ ડૉ.સંદીપ પાઠકે આમ આદમી પાર્ટી માટે કામ કર્યું હતું.

સંદીપ છત્તીસગઢના મુંગેલી જિલ્લાના લોરમીના રહીશ છે. સંદીપનો પરિવાર આજે પણ બટહા ગામમાં રહે છે. આ રીતે આમ આદમી પાર્ટીના રાજ્યસભા માટે ૫ ઉમેદવારો નક્કી થયા છે. જેમાં સંદીપ પાઠક ઉપરાંત ક્રિકેટર હરભજન સિંહ, લવલી યુનિવર્સિટીના ચાન્સેલર અશોકકુમાર મિત્તલ, રાઘવ ચડ્‌ઢા અને ક્રિષ્ના પ્રાણ બ્રેસ્ટ કેન્સર કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર સંજીવ અરોરા સામેલ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.