Western Times News

Gujarati News

ધુળેટી પર વિદ્યાર્થિનીની ચાર વિદ્યાર્થીઓએ છેડતી કરી

અમદાવાદ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં MAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ ચાર અન્ય વિદ્યાર્થીઓ પર છેડતીનો આરોપ મૂક્યો છે. વિદ્યાર્થિનીની ફરિયાદ અનુસાર ગુરુવારના રોજ કેમ્પસમાં ધુળેટીની ઉજવણી દરમિયાન આ ચાર વિદ્યાર્થીઓએ તેની છેડતી કરી હતી. ફરિયાદ મળ્યા પછી યુનિવર્સિટીની ઈન્ટરનલ કમ્પલેઈન કમિટીએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

CUG ઈન્ચાર્જ રજિસ્ટ્રાર સંજય ઝાએ ફરિયાદ મળી હોવાની વાતની પૃષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, કોલેજ તંત્રને એક વિદ્યાર્થિનીની ફરિયાદ મળી છે, જેને ધ્યાનમાં રાખીને ICCના સભ્યોએ સોમવારના રોજ એક મીટિંગ પણ રાખી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતના પાટનગર ગાંધીનગરના સેક્ટર ૨૯માં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત આવેલી છે.

યુનિવર્સિટીના સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, જે વિદ્યાર્થિનીએ ફરિયાદ નોંધાવી છે તે દક્ષિણ ભારતની છે. વિદ્યાર્થીઓએ જ્યારે પાણીથી હોળી રમવાની શરુઆત કરી ત્યારે તેણી કેમ્પસમાં હતી.

યુનિવર્સિટીના એક સૂત્રએ જણાવ્યું કે, હોળી રમતા અમુક વિદ્યાર્થીઓએ તેને પણ ઉજવણીમાં જાેડાવવાનું કહ્યુ હતું પરંતુ તેણે ના પાડી દીધી હતી. ત્યારપછી એમએના બીજા વર્ષમાં જર્મનનો અભ્યાસ કરતો એક વિદ્યાર્થી તેને ખેંચી લાવ્યો હતો. તેણે ચીસો પાડી હોવા છતાં તેણે અન્ય વિદ્યાર્થીઓને પણ ઉકસાવ્યા અને તેણી પર પાણી ઢોળ્યુ હતું.

સૂત્રએ આગળ જણાવ્યું કે, અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ પણ તેને ઉંચકી અને રંગીન પાણી અને કીચડના ખાડામાં ફેંકી દીધી. આ લોકોએ બળજબરીપૂર્વક તેના પર રંગો નાખ્યા અને કથિત રીતે તેની છેડતી પણ કરી હતી.

આ તમામ ઘટનાથી ડરી ગયેલી વિદ્યાર્થિની રડવા લાગી હતી અને મદદ માંગી રહી હતી. તેણે સિક્યોરિટી ગાર્ડની પણ મદદ માંગી જેમણે આ ચાર વિદ્યાર્થીઓ કેમ્પસ છોડીને ભાગે નહીં તે માટે દરવાજા બંધ કરી દીધા હતા. આ ઘટના પછી અમુક વિદ્યાર્થીઓએ પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કર્યો હતો અને સેક્ટર-૨૧ની પોલીસ ટીમ યુનિવર્સિટી પહોંચી હતી.

પરંતુ આ ઘટના યુનિવર્સિટીના કેમ્પસમાં બની હોવાને કારણે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના કર્મચારીઓએ પોલીસને જણાવ્યું કે તેઓ પહેલા આંતરિક પૂછપરછ અને તપાસ કરશે. આ ઘટનાની પૃષ્ટિ કરતાં ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ જણાવ્યું કે, આ ઘટના ૧૭મી માર્ચના રોજ બની હતી. પરંતુ જ્યારે પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે મહિલાએ ફરિયાદ નોંધાવવાની ના પાડી દીધી હતી.

CUG રજિસ્ટ્રાર જણાવે છે કે, વિદ્યાર્થિનીએ અમારી પાસે ફરિયાદ નોંધાવી છે. અમારા કેમ્પસમાં આ પ્રકારની ઘટનાનો આ કદાચ પ્રથમ કેસ છે. યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું કે, વિદ્યાર્થિનીને તે વિદ્યાર્થીઓની ઓળખ કરવાનું કહેવામાં આવ્યું જેમણે તેની છેડતી કરી હતી. તમામ વિદ્યાર્થીઓના મોઢા પર રંગો હોવાને કારણે તે માત્ર એક જ વિદ્યાર્થીને ઓળખી શકી હતી. યુનિવર્સિટી તંત્રનું કહેવું છે કે, આરોપી વિદ્યાર્થીને નિષ્કાસિત કરવો કે પછી પોલીસ ફરિયાદ કરવી એ યોગ્ય તપાસ કર્યા પછી ર્નિણય લેવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.