અફઘાનિસ્તાનમાં ભૂખમરો વેઠતા મા-બાપ સંતાનોને વેચવા મજબૂર બન્યાં, બજારો ભરાવા લાગ્યા

Merchants Wares Town Afghanistan People City
કાબુલ, અફઘાનિસ્તાનમાં દિવસે દિવસે સ્થિતિ ખૂબ જ ગંભીર થતી જાય છે. ભૂખમરો વેઠી રહેલા મા-બાપ હવે તેમના સંતાનોને વેચી નાખવા મજબૂર બન્યા છે. પશ્વિમ અફઘાનિસ્તાનમાં દર્દનાક દૃશ્યો સર્જાયા છે. ૧૦ વર્ષથી મોટી બાળકીઓને લગ્ન માટે વેચીને મા-બાપ ખોરાકની વ્યવસ્થા કરે છે.
પશ્વિમી અફઘાનિસ્તાનમાં એક તરફ દૂકાળની સ્થિતિ છે અને બીજી તરફ યુદ્ધના કારણેબેહાલી છે. તાલિબાની શાસનમાં લોકોને હાડમારી વધી છે. એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો.
અઝીઝ ગૂલ નામની મહિલાના પતિએ તેમની ૧૦ વર્ષની બાળકીને લગ્ન માટે વેચી દીધી હતી. એ રકમમાંથી તે હવે દાણા-પાણીની વ્યવસ્થા કરશે. એક અહેવાલમાં તેના પતિને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે બાકીના સભ્યોનો જીવ બચાવવા માટે એકનું બલિદાન આપવું પડે તેમ હતું. એ સિવાય તેના પરિવાર પાસે કોઈ જ વિકલ્પ ન હતો.
અફઘાનિસ્તાનમાં આવા બનાવો હવે રોજના થઈ પડયા છે. ખૂબ જ પછાત અને ગરીબ વિસ્તારોમાં તો રીતસર બાળકોને વેચવા માટે બજારો ભરાવા લાગ્યા છે. પૈસા માટે અને ભોજન માટે ટળવળતા લોકો આવા ર્નિણયો લેવા મજબૂર બન્યા છે. એક તરફ તાલિબાનનો ત્રાસ, બીજી તરફ દૂકાળ અને ત્રીજી તરફ કોરોના – અફઘાનિસ્તાનના લોકોની સ્થિતિ દિવસે દિવસે ખૂબ જ દયનીય બની ગઈ છે.
સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે અફઘાનિસ્તાનમાં ૩૨ લાખ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. અફઘાનિસ્તાનમાં કાર્યરત વૈશ્વિક સંસ્થા વર્લ્ડ વિઝનના વડા અસુંથ ચાર્લ્સે જણાવ્યું હતુંઃ દેશમાં બાળકોની સ્થિતિ ખૂબ જ દયનીય છે. એમાં પણ બાળકીઓની હાલત તો ખૌફનાક છે. પરિવારો તેમની બાળકીઓને વેચી નાખે છે. તેના કારણે અફઘાનિસ્તાનમાં માનવ તસ્કરી થોડાંક મહિનાઓમાં વધી ગઈ છે.
આ સંસ્થાના વડાના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાનના ઘણાં પ્રાંતમાં ગરીબ પરિવારોની એવી કફોડી હાલત થઈ ગઈ છે કે એક એક દાણા માટે તેઓ તરસી રહ્યા છે. તેમને સવારે ખબર હોતી નથી કે એક ટંકનું ખાવાનું મળશે નહીં. તેમણે વિશ્વને આ સ્થિતિમાંથી અફઘાનિસ્તાનને બહાર કાઢવાની વિનંતી કરી હતી.HS