શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અમદાવાદમાં યોજાયો “વિરાંજલી કાર્યક્રમ”
આત્મનિર્ભર, સંપન્ન અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણે દરેક યુવાનમાં દેશપ્રેમની જ્વાળા પ્રગટાવવી પડશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
આજે શહીદ દિન નિમિત્તે અમદાવાદના ખાતે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આયોજિત વિરાંજલી કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, આત્મનિર્ભર, સંપન્ન અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણે યુવાનોમાં દેશપ્રેમની જ્વાળા પ્રગટાવવી પડશે અને આવા વિરાંજલિ કાર્યક્રમો એ જ્યોત પ્રજવલિત કરવાના પ્રેરણાસ્ત્રોત બનશે એમ તેમણે ઉમેર્યું હતું.
આજે શહીદ દિન નિમિત્તે આયોજિત આ વિરાંજલી કાર્યક્રમ માતૃભૂમિ માટે બલિદાન આપનારા એવા વીર સપૂતોની વંદનાનો અવસર છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આ અવસરે શ્રી ભૂપેન્દ્ર ભાઈએ કહ્યું કે, આપણે સૌ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીયે ત્યારે આ આઝાદીનું વટવૃક્ષ સિંચવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર સપૂતોના સ્મરણ સાથે એમની શહાદત એળે ન જાય તે માટે દેશ માટે કર્તવ્યરત થવા આ વિરાંજલી કાર્યક્રમ આપણને પ્રેરણા આપી રહ્યો છે.
મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, અગાઉ તો દેશ પ્રેમના નામ પર એક જ પરિવારના ગુણગાન ગવાતા હતા. દેશ માટે બલિદાન આપનારા અનેક શૂરવીરોનાં નામ ઈતિહાસમાંથી ભૂંસી દેવાના ષડયંત્રો પણ રચાયા હતા પણ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશનુ સુકાન સંભાળતાં જ ભૂલાયેલા વીર શહીદોને યોગ્ય સન્માન આપવા વીરાંજલિ કાર્યક્રમો ઉપાડયા છે, જેનું ઉદાહરણ આજે આપણી સામે છે.
છેલ્લાં બાર વર્ષથી ભાજપે આ રીતે શહીદવીરોને વીરાંજલિ આપવાની પ્રણાલી શરૂ કરી છે એ શહીદોને યાદ કરી તેમને યોગ્ય સન્માન અને અંજલિ આપવાના પ્રયાસ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રીએ શહીદોને યાદ કરતા કહ્યુ કે, ભગતસિંહ- સુખદેવ અને રાજગુરૂ આ ત્રણેય યુવા અને તેજસ્વી હતા.તેમની મહત્વકાંક્ષાઓ સામાન્ય યુવાનોની જેમ અંગત મોજશોખની ન હતી પણ ભારત માતાને આઝાદ જોવાની તેમની તમન્ના હતી અને તેમની કુરબાનીના પરિણામે જ આજે આપણે આઝાદીની આબોહવામાં જીવી શકીએ છીએ.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો. નિમાબહેન આચાર્યએ જણાવ્યું કે, ૨૩ માર્ચે શહિદ દિન ઉજવીએ છીએ તેનું ખુબજ મહત્વ છે. આવા કર્યકમત થકી આપણે યુવાનોમાં શહિદ થયેલા વીરોની ગાથાને તાજી કરાવી શકીએ છીએ.
તેમણે શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહિદનું નામ હંમેશા અમર થઈ જાય છે.
આ પ્રસંગે વિરાંજલી સમિતિના અધ્યક્ષ શ્રી પ્રદીપ વાધેલાએ જણાવ્યું કે, વીર શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આ વિરાંજલી કાર્યકમ છે. આ કાર્યક્રમનું આયોજન અમે વર્ષ ૨૦૦૮થી કરતા અવાયા છીએ.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપ ભાઈ પરમાર, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ ભાઈ સંઘવી, સહકાર રાજ્ય મંત્રી શ્રી જગીશભાઈ વિશ્વકર્મા, સર્વે ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી કિરીટભાઇ પરમાર તેમજ ભાજપના સર્વે આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..