મેહુલ ચોકસીએ PSBને પણ ૪૪.૧ કરોડનો ચુનો લગાવ્યો
પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા માહિતી અપાઈઃ બેંકે ચોકસી દ્વારા ડિફોલ્ટ મામલામાં પ્રથમવાર આપેલી સ્પષ્ટ માહિતી |
મુંબઈ, પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે ૧૩૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર હિરા કારોબારી મેહુલ ચોકસીએ પંજાબ એન્ડ સિંધ બેંક (પીએસબી)ને પણ ૪૪.૧ કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો હતો. બેંકે આજે આ અંગેની માહિતી આપતા કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. આની સીધી અસર જ્યારે કારોબાર શરૂ થશે ત્યારે જાવા મળી શકે છે. બેંકે કહ્યું છે કે, ચોકસીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડે તેમની પાસેથી લોન લીધી હતી. ચોકસી કંપનીમાં નિર્દેશકની સાથે સાથે ગેરન્ટર તરીકે રહ્યા છે.
જ્યારે ચોકસીએ લોનની રકમ ચુકવી ન હતી ત્યારે ૩૧મી માર્ચ ૨૦૧૮ના દિવસે પીએનસીને તેને એનપીએમાં મુકી દેવામાં આવી હતી. પ્રથમ વખત બેંકે ચોકસી દ્વારા ડિફોલ્ટના સંદર્ભમાં સ્પષ્ટ પણે માહિતી આપી છે. મેહુલ ચોકસી ફરાર થયેલા છે અને ધરપકડને ટાળવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. બેંકે ચોકસીને લોન રકમ અને વ્યાજ તથા અન્ય ચાર્જને ૨૩મી ઓક્ટોબર ૨૦૧૮ સુધી ચુકવી દેવા માટે કહ્યું હતું.
જ્યારે લોનની ચુકવણી કરવામાં ન આવી ત્યારે ૧૭મી સપ્ટેમ્બર ૨૦૧૯ના દિવસે પીએસબી દ્વારા ચોકસીને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવ્યા હતા. સીબીઆઈએ ગુરુવારના દિવસે જ મુંબઈની એક કોર્ટમાં અપીલ કરી હતી કે, પંજાબ નેશનલ બેંક કાંભાડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીને ફરાર જાહેર કરવામાં આવે તે જરૂરી છે. એજન્સીએ કહ્યું હતું કે, ચોકસી બિનજામીનપાત્ર વોરંટનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા છે.
સીબીઆઈ મામલાના ખાસ ન્યાયાધીશ વીસી બારદેની સમક્ષ અરજી આપીને કહ્યું હતું કે, મામલામાં ઘણી બધી બાબતો તપાસવાનો વિષય છે. પોતે તમામ બાબતોને છુપાવવા બહાર જતા રહ્યા છે. ચોકસી હાલમાં એન્ટીગુઆ ખાતે રોકાયેલા છે. ધરપકડને ટાળવાના પ્રયાસો કરી રહ્યા છે. જાકે, તેમની સામે હજુ તપાસ જારી છે.