મહિલા સશક્તિકરણ : આગ બુઝાવવાનું કામ કરશે મહિલાઓ
તમિલનાડુ, આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહી છે. સરકાર પણ મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે સતત કામ કરી રહી છે. આ રાજ્યની સરકાર ટૂંક સમયમાં જ અગ્નિશામક અને બચાવ સેવા હેઠળ મહિલાઓની નિયુક્તિ કરશે. મહિલાઓની સમાનતા અને સશક્તિકરણની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવશે.
ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ હેઠળ પહેલેથી જ 22 મહિલાઓ કામ કરી રહી છે પરંતુ અત્યાર સુધી વિભાગે એકપણ મહિલાને ફાયર ફાઈટર તરીકે ભરતી કરી નથી. મહિલાઓને સશક્ત બનાવવા ચેન્નાઈમાં તાંબરમ પાસે એક નવું ટ્રેનિંગ સેન્ટર પણ ખોલવામાં આવ્યું છે.
આ નવા તાલીમ કેન્દ્રમાં સ્ત્રી અને પુરૂષ બંનેને ડિસાસ્ટર મેનેજમેન્ટ અને બચાવ કાર્યની તાલીમ આપવામાં આવશે. આ કેન્દ્રો આધુનિક સાધનો અને સુવિધાઓથી સજ્જ છે. જેથી અહીંથી પ્રશિક્ષિત વ્યક્તિ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકે છે.
એટલું જ નહીં, વિભાગ સુરક્ષા સ્વયંસેવક યોજના હેઠળ 1 લાખ લોકોને તાલીમ પણ આપશે. અગાઉ આ યોજના માત્ર 5000 લોકોને તાલીમ આપવા સુધી મર્યાદિત હતી. આ રીતે, આવા વિસ્તારો કે જે ઘણીવાર આફતની સંભાવના ધરાવે છે તેમને તાત્કાલિક મદદ મળશે.
આ પહેલા પણ તમિલનાડુ રાજ્યના ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ ડિપાર્ટમેન્ટે 2003માં મહિલા ફાયર ઓફિસર મીનાક્ષી વિજયકુમારની ફાયર ઓફિસર તરીકે નિમણૂક કરી હતી. તેઓ દેશના પ્રથમ મહિલા ફાયર ઓફિસર છે. 2013માં ચેન્નાઈમાં બચાવ કામગીરી દરમિયાન ઝડપી કાર્યવાહી કરવા બદલ રાષ્ટ્રપતિ દ્વારા તેમને બહાદુરી માટે ફાયર સર્વિસ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો.