અક્સાઈ ચીનને ચીનના જમ્મુ-કાશ્મીર તરીકે માન્યતાની માગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/03/Aksai-Chn.png)
જિનેવા, જિનેવા ખાતે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૪૯મા સત્ર દરમિયાન કાશ્મીરી માનવાધિકાર કાર્યકર જુનૈદ કુરૈશીએ અક્સાઈ ચીન પર ચીનના ગેરકાયદેસર કબજાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ રજૂઆત કરતા કહ્યું કે, અક્સાઈ ચીનના એક ખૂબ મોટા હિસ્સા પર ચીને કબજાે જમાવેલો છે માટે તેને ઔપચારિક રીતે ‘ચીનના કબજાવાળા જમ્મુ અને કાશ્મીર’ તરીકેની માન્યતા મળવી જાેઈએ. શ્રીનગરના જુનૈદ કુરૈશી બ્રસેલ્સ સ્થિત યુરોપીય ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝના ડિરેક્ટર છે.
જવાબમાં જુનૈદે કહ્યું કે, હું મારા પૂર્વજાેની ભૂમિ જમ્મુ અને કાશ્મીરના મુદ્દે પરિષદનું ધ્યાન આકર્ષિત કરવા ઈચ્છું છું. આ અંગે પરિષદમાં અનેક દશકાઓથી ચર્ચા થતી આવી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ મુદ્દા અંગે જે શબ્દાવલિઓ રચવામાં આવેલી છે તે પૈકીની મોટા ભાગની અનેક વર્ષોથી સામાન્ય ઉપયોગમાં લેવાય છે. ઉપયુક્ત શબ્દાવલિનું નિર્માણ અને તેનું અંગીકરણ એક વિવાદિત મુદ્દાને પરિભાષિત કરવા ઉપરાંત તેના સમાધાન માટેનો રસ્તો શોધવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
જુનૈદ કુરૈશીએ જણાવ્યું કે, ‘અક્સાઈ ચીન જમ્મુ અને કાશ્મીરના ૨૦ ટકાથી વધારે ક્ષેત્રમાં ફેલાયેલું છે, જે લગભગ ભૂતાનના આકાર જેટલું છે. સંયુક્ત રાષ્ટ્ર અને તેના વિભિન્ન અંગ જેમકે, યુએનએચઆરસીએ જમ્મુ અને કાશ્મીર મુદ્દે વર્તમાન શબ્દાવલિના આધાર ઉપર અક્સાઈ ચીન પરના ચીનના ગેરકાયદેસર કબજાની સંપૂર્ણપણે અવગણના કરી છે. જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો જેટલો ગંભીર છે તેના હિસાબથી આ પ્રકારની ચૂકનો ગંભીર પ્રભાવ પડી શકે છે.’
જુનૈદ કુરૈશીની વાત સાંભળ્યા બાદ ચીને તેનો વિરોધ કર્યો હતો. ચીને કહ્યું કે, જુનૈદે જે નિવેદન આપ્યું છે તે ચીનની ક્ષેત્રીય અખંડિતતા અને સંપ્રભુતાની વિરૂદ્ધ છે અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન કરે છે. ચીન વિનંતી કરે છે કે, જુનૈદની માગણીને નજરઅંદાજ કરવામાં આવે.
૧૯૫૦ના દશકા દરમિયાન ચીને અક્સાઈ ચીન (આશરે ૩૮,૦૦૦ વર્ગ કિમી ક્ષેત્ર) પર કબજાે જમાવી લીધો હતો. ત્યાર બાદ તેણે ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન આ ક્ષેત્ર પર પોતાની સૈન્ય પકડ મજબૂત બનાવી લીધી હતી. ત્યારથી તે વિસ્તાર બંને દેશ વચ્ચે વિવાદનો વિષય બનેલો છે.SSS