કુળદેવીના દર્શને જઈ રહેલા રાણીપના પરિવારનો લખતર પાસે અકસ્માત
લખતર પાસે કાર–કન્ટેનર અકસ્માત : ૯ વર્ષના બાળક સહિત ૪નાં મોત
લખતર તાલુકાના કડુ ગામ પાસે આજે સવારે કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. દેદાદરા કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહેલા અમદાવાદના પરિવારને રસ્તામાં જ કાળનો ભેટો થતા ગમગીની વ્યાપી ગઈ હતી. ઘટનામાં પરિવારના ૪ સભ્યોએ દમ તોડી દીધા હતા.
બે મહિલાઓની હાલત ગંભીર હોય તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં કારચાલકે અન્ય વાહનને ઓવરટેક કરતી વખતે આ અકસ્માત સર્જાયાનું હાલ સામે આવ્યું છે.
આ અકસ્માતની વિગત એવી છે કે, અમદાવાદના રાણીપનો પરિવાર સોહમભાઈ બલભદ્રભાઈ ભટ્ટ (ઉ.વ.૩૭) તેમના પત્ની ક્રિષ્નાબેન તથા તેમની દોઢ વર્ષની દીકરી રિવા તથા નવ વર્ષનો દીકરો કીર્તન સોહમભાઈ ભટ્ટ તથા હીરાબેન જીતેન્દ્રભાઈ જોશી અને અંજલિબેન જીતેન્દ્રભાઈ જોશી
આજે સવારે વઢવાણ તાલુકાના દેદાદરા ગામે આવેલા પોતાના કુળદેવી ભદ્રકાળી માતાજીના યજ્ઞમાં સામેલ થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન લખતર તાલુકાના કડુ ગામ પાસે કારચાલકે આગળ જતા અન્ય વાહનને ઓવરટેક કરવા જતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં પરિવારના ૪ સભ્યોએ દમ તોડી દીધો હતો જેમાં સોહમ બલભદ્રભાઈ ભટ્ટ તેમનો ૯ વર્ષનો પુત્ર કીર્તન સોહમભાઈ ભટ્ટ તથા રિટાબેન જોશી અને અંજલિ જોશીએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માતમાં ક્રિષ્નાબેન સોહમભાઈ ભટ્ટ તથા તેમની દોઢ વર્ષની પુત્રી રીવાને ગંભીર ઈજા થતા હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હાલ બન્નેની તબિયત ગંભરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતને પગલે હાઈ–વે પર ટ્રાફિકજામ થઈ જવા પામ્યો હતો. બનાવને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.