Western Times News

Gujarati News

માત્ર બે વર્ષની અંદર ચંદ્ર પર હાઈ સ્પીડ ઈન્ટરનેટ આવશે

નવી દિલ્હી, લોકો દરરોજ પૃથ્વી પર ઈન્ટરનેટની સ્પીડ અંગે ફરિયાદ કરતા રહે છે, પરંતુ હવે અન્ય ગ્રહો પર પણ ઈન્ટરનેટ લાવવાની વાત થઈ રહી છે. યુએસની એક સ્ટાર્ટ-અપ કંપનીએ દાવો કર્યો છે કે તે આગામી ૨ વર્ષમાં ચંદ્ર પર WiFi લાવશે. રસપ્રદ વાત એ છે કે કંપની ચંદ્ર પર હાઈ-સ્પીડ ઈન્ટરનેટ આપવાનો દાવો કરી રહી છે.

એક્વેરિયન સ્પેસ નામની આ કંપનીનું કહેવું છે કે તે માત્ર ૨ વર્ષમાં જ ચંદ્ર પર વાઈફાઈ લાવશે અને પછી તેનું આગામી લક્ષ્ય લાલ ગ્રહ મંગળ પર ઈન્ટરનેટની સુવિધા આપવાનું હશે. કંપનીએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં $૬૫૦,૦૦૦ એટલે કે લગભગ ૫ કરોડ ભારતીય ચલણમાં ભંડોળ મેળવ્યું છે.

એક્વેરિયન સ્પેસને આ પ્રોજેક્ટ માટે કેલિફોર્નિયાના ડ્રેપર એસોસિએટ્‌સ તરફથી ભંડોળ મળ્યું છે. કંપનીનું કહેવું છે કે વર્ષ ૨૦૨૪ સુધીમાં તેઓ સૌપ્રથમ લુનર કોમ્યુનિકેશન સિસ્ટમ સોલનેટને ચંદ્ર પર લઈ જશે. કંપનીના સીઈઓ કેલી લાર્સન કહે છે કે વર્ષ ૨૦૨૧ સુધીમાં ચંદ્રની આસપાસ ૧૩ લેન્ડર્સ, ઓર્બિટર અને રોવર્સ હતા.

૨૦૩૦ સુધીમાં તેમની સંખ્યા વધીને ૨૦૦ થવાની ધારણા છે, જે ટ્રિલિયન-ડોલરની ચંદ્ર અર્થવ્યવસ્થા તરફ દોરી જશે, પરંતુ આ માટે મજબૂત સંચારની જરૂર છે, જે સોલનેટ દ્વારા ઉપલબ્ધ થશે. કંપનીનો દાવો છે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સેટેલાઇટ નેટવર્ક ૧૦૦ મેગાબાઇટ/સેકન્ડની ઝડપે ચાલશે. વર્ષ ૨૦૨૪ બાદ વર્ષ ૨૦૨૫માં પણ સોલનેટ ઉપગ્રહને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મુકવાની તૈયારી છે.

આ પ્રોજેક્ટની ટેકનિકલ સમીક્ષા નાસાના કોમર્શિયલ લુનર પેલોડ સર્વિસ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવી રહી છે. એરોનોટિકલ સ્ટાર્ટ-અપ એક્વેરિયન સ્પેસ અનુસાર, આ સુવિધાને કારણે સ્પેસક્રાફ્ટમાં કોઈ ફેરફારની જરૂર નહીં પડે. હાઈ-સ્પીડ ઈન્ટરનેટ ઉપરાંત સ્પેસ વેધર વિશેની માહિતી પણ સોલનેટ દ્વારા ઉપલબ્ધ થશે. આ સાથે ચંદ્ર અને મંગળ વિશે પણ વૈજ્ઞાનિક માહિતી એકત્ર કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.