દર્દીની સારવાર કરવાના બદલે ડોક્ટર મોબાઈલ ઉપર મગ્ન બનતા દર્દીનું મોત !!?
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું હોવાના પગલે હોબાળો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સિવિલ હોસ્પીટલ હંમેશા કોઈને કોઈ કારણસર વિવાદમાં આવતી હોય છે. લત્યારે ગતરોજ મોડી રાત્રિએ એક દર્દીને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં ન મળી હોવાના આક્ષેપ સાથે તેનું મોત થયું હોવાના પગલે મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
આશ્ચર્યની બાબત એ પણ છે કે મૃતકનો ભાઈ ખુદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવી રહ્યો હોય છતાંય કર્મચારીના જ ભાઈને સમયસર સારવાર ન મળતાં મોત થતા સિવિલ હોસ્પિટલમાં પણ લોકોમાં ફફડાટ મચી ગયો હતો.
ભરૂચ શહેરના રાજીવ આવાસ યોજનાના મકાનમાં રહેતા સલીમ મહંમદ કુંજરાની તબિયત અચાનક લથડતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફતે લાવવામાં આવ્યા હતા. ઈમરજન્સીમાં તેની સારવાર કર્યા બાદ તેને સિવિલ હોસ્પિટલના ચોથા માળે શિફ્ટ કરવામાં આવ્યા હતા
પરંતુ દર્દીને લગાવેલું ઓક્સિજન સિલિન્ડર ખાલી હોય જેના કારણે દર્દીને સમયસર ઓક્સિજન ન મળતા દર્દી સલીમ મહંમદ કુંજરાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળ્યું હોય અને ડોક્ટર પણ સતત મોબાઈલ ઉપર વ્યસ્ત રહી હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો
અને સિવિલ હોસ્પિટલના તબીબની ગંભીર બેદરકારીના કારણે તેમજ ઓક્સિજન સિલિન્ડર ખાલી હોવાના કારણે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળતા દર્દીનું મોત થયું હોવાના પગલે સિવિલ હોસ્પિટલના તબીબો સામે મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે મૃતક સલીમ મહંમદ કુંજરાનો ભાઈ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવે છે અને સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતા કર્મચારીના ભાઈને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળતા મોત થતા તેઓએ પણ સિવિલ હોસ્પિટલના લાપરવાહ તબીબ અને નર્સની સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીનું મોત થતા મૃતકના પરિવારોને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબોની બેદરકારી સામે સિવિલ સત્તાધીશો પણ કાર્યવાહી કરે તેવી માંગ મૃતકના પરિવારજનોએ કરી હતી.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીને લગાડવામાં આવેલા ઓક્સિજન સિલિન્ડર ખાલીખમ હોય અને માત્ર દેખાવા પૂરતી પાઈપ લગાવી હોવાનો વિડીયો પણ મૃતકના પરિવારજનોએ મોબાઈલમાં કેદ કરી ભારે આક્રોશ ઠાલવ્યો હતો.ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલની સામે ભરૂચ શહેરવાસીઓમાં પણ કુતૂહલ સર્જાયું છે.