હિન્દુ ધર્મ સેનાના સંતોની ઉપસ્થિતીમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
સ્વામીનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
(પ્રતિનિધિ) હાલોલ, હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામીનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે હિન્દુ ધર્મ સેનાના સંતશ્રીઓની ઉપસ્થિતિમાં દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.૨૩મી માર્ચના દિવસે સમગ્ર દેશના વીર શહીદોને યાદ કરીને તેઓની યાદમાં શહીદ દિન મનાવાય છે
જે અંતર્ગત હાલોલ નગરની બહાર ગોધરા બાયપાસ રોડ પર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલ નિષ્ઠા વિદ્યામંદિર સંત કેશવ સ્વરૂપ મહારાજ તેમજ અખિલ ભારતીય સંત સમિતિના પંચમહાલ જિલ્લાના અધ્યક્ષ પરમ પૂજ્ય સંતપ્રસાદ સ્વામી મહારાજ, હિંદુ ધર્મ સેનાના પંચમહાલ જિલ્લાના અધ્યક્ષ પરમ પૂજ્ય લાલાબાપુ તાજપુરા વાળા,
જિલ્લા સંયોજક પરમ પૂજ્ય વિક્રમદાસજી મહારાજ, પરમ પૂજ્ય માધુરામ મહારાજ સહિત વિવિધ સંતશ્રીઓની ઉપસ્થિતિમાં હિંદુ ધર્મ સેનાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા દેશની રક્ષા કાજે શહીદી વહોરનાર અને આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી માં ભોમ ખાતર પોતાના પ્રાણોની કુરબાની આપી શહીદી વહોરી વીરગતિ પામનાર દેશના વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં વિરાંજલી પ્રાપ્ત શહીદો વીર શહીદ ભગતસિંહ, વીર શહીદ રાજગુરુ, વીર શહીદ સુખદેવના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી સંતો સહિત અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી જ્યારે દેશના અન્ય તમામ વીર શહીદોને પણ યાદ કરી તેઓને સલામી અર્પણ કરી તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી
આ પ્રસંગે હિન્દુ ધર્મ સેના સંગઠન મહામંત્રી સચીનભાઈ શાહ, મંત્રી રતિલાલ બારીયા, હાલોલ શહેર પ્રમુખ તપનભાઈ તથા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણીઓ સુભાષભાઈ પરમાર જશવંત સોલંકી સહિતના વિવિધ અગ્રણી અને મોટી સંખ્યામાં હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓએ હાજરી આપી દેશના વીર સપૂત વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.