“ જ્યારે બાળકો એવું કહે કે દાદા ઈનામ જીતીને આવ્યા ત્યારે તેની અનુભૂતિ અનેરી હોય” હિમાંશુ પટેલ
અમદાવાદ શહેર ખેલ મહાકુંભ તરણ સ્પર્ધા- 2022- 63 વર્ષના શ્રી હિમાંશુભાઈ પટેલે 100 મીટર ફ્રી સ્ટાઈલ, 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક અને 50 મીટર બટરફ્લાય સ્પર્ધા પ્રથમ સ્થાન મેળવ્યું.
અમદાવાદ શહેર ખેલ મહાકુંભ તરણ સ્પર્ધા- 2022માં આજે ગુજરાત વિદ્યાપીઠ ખાતે વિવિધ વયજૂથ(ભાઈઓ)ની તરણ સ્પર્ધા યોજાઈ હતી. અંડર -11,14,17 અને ઓપન એઈજ ગ્રુપ- 40 – 60 શ્રેણીમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અમદાવાદ શહેરની આ તરણ સ્પર્ધામાં 40 -60 વર્ષની શ્રેણીમાં 100 મીટર ફ્રી સ્ટાઈલ, 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક અને 50 મીટર બટરફ્લાય સ્પર્ધાના વિજેતા શ્રી હિંમાશુભાઈ પટેલે જીત બાદ કહ્યું કે, ખેલ મહાકુંભનો વિચાર અભિનવ છે અને તેના પરિણામો આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, ખેલ મહાકુંભના પ્રતાપે ગુજરાતમાંથી ઓલિમ્પિક સ્તરના ખેલાડીઓ પ્રાપ્ત થયા છે.
આટલી વયે ખેલ મહાકુંભમાં ભાગ લેવા અંગેના અનુભવ વિશે પૂછતા શ્રી હિમાંશુભાઈએ કહ્યું કે, ખેલ મહાકુંભના કારણે જ્યારે બાળકો એવું કહે કે દાદા ઈનામ જીતીને આવ્યા ત્યારે તેની અનુભૂતિ અનેરી હોય છે.
ખેલ મહાકુંભના દુરોગામી પરિણામો વિશે વાત કરતાં શ્રી હિમાંશુભાઈએ કહ્યું કે, રમત-ગમતના કારણે નાગરિકોને તંદુરસ્તી સુધરે છે અને ફળસ્વરૂપે તેની કાર્યશક્તિમાં પણ વૃદ્ધિ થાય છે.
આ તરણસ્પર્ધા વિજેતા કહે છે કે, રમતગમતથી આપણે જીવનમાં હાર-જીતને પચાવતા શીખીએ છીએ તેમ જ લીડરશીપ, ટીમ સ્પીરીટ અને ખેલદીલી જેવા ગુણો પણ વિકસે છે.