રાજકોટ: ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે ભાજપ દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન
રાજકોટ, ગુજરાતમાં ભાજપે વિધાનસભા ઈલેકશન પૂર્વે સંગઠનને એક્ટિવ કરવાની શરૂઆત કરી દીધી છે. જેમાં પણ સરકાર અને સંગઠનમાં તાલમેલ સાથે ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે પ્રશિક્ષણ વર્ગની શરૂઆત કરવામાં આવશે.
આ અંગે રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ મીડિયાને જણાવ્યું હતું કે,સરકાર અને સંગઠનમાં તાલમેલ વધારવા પ્રયાસ રૂપે શહેરના રાણીંગા વાડીમાં સૌરાષ્ટ્ર ઝોન ૧ના ૫ દિવસના પ્રશિક્ષણ વર્ગ યોજાશે. જેમાં પ્રદેશ કક્ષાએથી નેતાઓ માર્ગદર્શન આપશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રશિક્ષણ વર્ગમાં જરૂરી માહિતી ઉપરાંત પાર્ટીની કાર્યપદ્ધતિ, વિચારસરણી, ભાજપાનો ઈતિહાસ, જનસંઘનો ઈતિહાસ, એકાત્મ માનવવાદ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી, મીડિયા, સોશિયલ મીડિયા, વિવિધ સમાજાેને લગતા મુદ્દાઓ, યુવાનો, મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમાજ મુદ્દે પ્રશિક્ષણ વર્ગમાં ચર્ચા કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, જેમાં આજની રાજકીય પરિસ્થિતિ અને ભાજપાના કાર્યકર્તાનો રાજકીય પરિસ્થિતિમાં શું યોગદાન અને શું તેમની કાર્યપદ્ધતિ હોઈ શકે તે અંગેની બધી જ બાબતોનો વિચાર-વિમર્શ હાથ ધરાશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ અભિયાન વિભાગની યોજના હેઠળ ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રશિક્ષણ વર્ગ દરમિયાન અપેક્ષિત શ્રેણી મુજબ જિલ્લા/મહાનગરના પદાધિકારીઓ અને કારોબારી સભ્યો, જિલ્લા મહાનગરના મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, છેલ્લી બે ટર્મના પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, મંડળ પ્રભારીઓ, મંડળ/ વોર્ડના પ્રમુખો અને મહામંત્રીઓ, પક્ષના ચૂંટાયેલ મહાનગરના કોર્પોરેટરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં ચુંટાયેલા સભ્યો, જિલ્લા સ્તરની સહકારી સંસ્થાઓના ચેરમેનઓ, જિલ્લા મહાનગરના તમામ સેલના સંયોજકો હાજર રહેશે.HS