સાસુ વહુ પરાયણ થાય તે કરતાં, સાસુ અને વહુ બંને ઈશ્વર પરાયણ થાય તે જરૂરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/03/SASU-VAHU.jpg)
કેવો સાસુ ધર્મ પ્રભુને ગમે ?
લેખક – અંબાલાલ આર.પટેલ
ભારતીય વૈદિક સંસ્કૃતિ માતૃદેવો ભવની છે. મા તેને કહેવાય કે જે માગ્યા વિના આપે છે. એટલું નહિ ઘરમાં બધાના માટે બધું જ કામ કરીને પણ મેં કર્યું છે, મારા થકી થયું છે તેવો કોઈ અવાજ ન કરવાવાળી તે મા છે. કરીને કશું જ વળતર બદલો ન માગવાવાળી તે મા છે.
આ જ મા આગળ જતાં પોતાનો પુત્ર મોટો થતાં પરણાવે છે અને ઘરમાં વહુ આવે છે ત્યારે તે સાસુ બને છે. દીકરાને પરણાવતાં ઘરમાં વહુ લાવતાં વધુમાં વધુ કોઈ હર્ષિત થતું હોય તો મા થાય છે. મા હર્ષઘેલી બને છે. આડોશીપાડોશી સગાસંબંધીઓમાં પણ મુક્ત કંઠે વહુનાં વખાણ કરે છે. મારી વહુ તો ઘરમાં કોયલ કંઠીલી છે, ચંદ્રમુખી છે.
એટલે બોલતાં તેની વાણીમાંથી ચંદ્ર જેવી શીતળતા પ્રસરે છે. ખાનદાન ઘરની છે. ખૂબ જ સંસ્કારી છે. આમ, આ વહુ ધીરે ધીરે પછી ચંદ્રમુખીમાંથી સૂર્યમુખી થાય છે એટલે કોઈ કોઈ વાર તેની વાણીથી શબ્દોમાં દઝાડે છે અને લાંબાગાળે તે જ વહુ જ્વાળામુખી થઈ જાય છે.
એટલે ચંદ્રમુખીમાંથી સૂર્યમુખી થાય અને તેથી આગળ વધતાં જ્વાળામુખી થાય છે. તે ઘરમાં બોલે છે ત્યારે ઘરના બધાને બાળી મૂકે તેવા શબ્દો તેની વાણીમાંથી નીકળે છે. તો આ વહુ સૂર્યમુખી અને જ્વાળામુખી ન બનતાં ઘરમાં કાયમ ચંદ્રમુખી જ રહે તે માટે ઘરમાં સ્વાધ્યાય જરૂરી છે. કુટુંબપ્રાર્થના જરૂરી છે.
તો જ ઘરમાં શીતળતા રહે. તે માટે સાસુ વહુ પરાયણ વહુ સાસુ પરાયણ અને સાસુ અને વહુ બંને ઈશ્વર પરાયણ થાય તે જરૂરી છે. ઘરમાં બધા જ સભ્યો ઈશ્વર પરાયણ થાય એટલે ઈશ્વરના કાયદાથી બંધાયેલા રહે તો જ ઘરમાં સ્વધર્મ કર્તવ્યપૂજા લાગે અને સ્વધર્મમાં આવતી અગવડો દુઃખોને સમજી ઉપાડી શકે. સ્વધર્મ નિધનમ્? શ્રેય. પરધર્મો ભયાવહ, મને મારા ઘરમાં સાસુનું, વહુનું, દેરાણી-જેઠાણીનું જે તે પાત્ર ભજવવા મળ્યું છે તે પાત્રમાં જ રહીને મારું કર્મપૂજા બનાવું તે મારો ધર્મ છે. આવો ધર્મ પ્રભુને ગમે.
હવે તેવી રીતનું એક દૃષ્ટાંત જાેઈએ કે એક ગર્ભશ્રીમંત ઉદ્યોગપતિને ત્યાં મધ્યમ સ્થિતિ ઘરની સુસંસ્કારી સ્વાધ્યાયી છોકરીને પરણાવી. આ છોકરી બચપણથી જ બાલસંસ્કાર કેન્દ્રો, યુવતી કેન્દ્રો અને વિડીયો કેન્દ્રોમાં દાદાનાં પ્રવચનો સાંભળવા જતી હોવાથી આદર્શ સંસાર કેમ કરવો તેનું તેને પૂરેપૂરું જ્ઞાન હતું.
જ્યારે સાસરે આવી તો તે પોતાના સાસુ-સસરા, વડીલ જેઠ-જેઠાણીને સવારે ભાવપૂર્ણ રીતે જય શ્રીકૃષ્ણ કહીને પગે લાગતી. રસોઈમાં પણ મન મૂકીને, હૃદય રેડીને પ્રભુનું નૈવેદ્ય સમજીને સ્તોત્રો બોલતી ભાવગીતો ગાતી અને બનાવતી. ઘરના માણસોને ભાવપૂર્ણ રીતે તેમાં બેઠેલા ભગવાન જમે છે તેવું સમજીને જમાડતી.
માનવાચક ભાવવાહી ભાષામાં કોયલ ટહુકાથી ઘરને ભર્યું ભર્યું રાખતી. ટૂંકમાં તેણે ઘરમાં બધાંના દિલ જીતી લીધેલાં. ત્યારે આ કુટુંબમાં મોટા બાપાને ત્યાં દીકરાનાં લગ્ન આવેલાં, ત્યારે જાનમાં જવા ઘરના બધા તૈયાર થતા હતા. આ છોકરી ઘરની પુત્રવધૂ, પણ તેના બાપાના ત્યાંથી મધ્યમ ઘરનો સાડલો અને દાગીના પહેરીને તૈયાર થઈ સાસુને જય શ્રીકૃષ્ણ બા હું જાનમાં જાઉં છું.
કહી પગે લાગી રજા માગતી હતી ત્યારે આ ગર્ભશ્રીમંત સાસુની નજર તેના બાપાના નાની કિંમતના દાગીના અને પોતાના ઘરના પ્રમાણે ઓછી કિંમતની સાડી જાેઈ. ત્યારે વહુના પ્રેમભાવ સામે તેમનામાં પણ વહુ મારી પોતીકી છે તે ભાવ પ્રગટ થતાં વહુને બાથમાં લઈ ભાવાશ્રુથી ભેટીને બોલી ઊઠ્યાં બેટી તું કેટલી સારી છે, તું મારા ઉચ્ચકુળની પુત્રવધૂ છે.
હું જાનમાં હજુ રૂપિયા પચીસ હજારની સાડીઓ ને લાખોના દાગીના પહેરીને જાઉં છું. આજથી હું તને મારા દાગીના સદાને માટે પહેરવા આપુ છું એટલું જ નહિ મારા કિમતી સાડલા પણ તને જ આપું છું. હવેથી હું તે દાગીના, સાડલા નહિ પહેરું મારી ઊંમર તેમાંથી પસાર થઈ ચૂકી છે. હવે તે તું જ પહેરે તેમાં જ મારા ઘરની શોભા છે તેમાં મને પણ આનંદ આવશે.
તું આ દાગીના અને સાડલા બદલીને જાનમાં જા. આપણા ખાનદાન, ગર્ભશ્રીમંતની તું સંસ્કારી પુત્રવધૂ છે. સંસ્કારો તારા અને તારા પિયરના છે. જ્યારે વૈભવ અમારો છે. આમ, સંસ્કાર અને સમૃદ્ધિ બંનેનું મિલન કરીને તું જાનમાં જા. આમ, સાસુ પણ ગૌરવશાળી, ભાવવાહી આત્મીય ભાષામાં બોલતાં પુત્રવધૂનું હૃદય હચમચી ગયું.
જાણે સ્વર્ગમાંથી આનંદ પુષ્પની વૃષ્ટિ થતી હોય તેવો રોમાંચ તેના શરીરમાં થયો; ત્યારે તે સાસુને બા કહી બાઝી પડી અને બોલી કે બા તમે કેટલાં હૃદયવાન છો, કુટુંબના કુળ પરંપરાના ગૌરવને સમજાે છો. ખરું કહુ બા તમે મારી જનેતા ‘મા’ના કરતાં ઘણાં ઊંચાં લાગો છો. આ દૃશ્ય જાનમાં જનાર દીકરાએ જાેયું તે પણ ભાવવિભોર થયો.
પોતાની બાના પગે પડ્યો અને બોલી ઉઠ્યો બા તું મને દૈવી લાગે છે. મારું સદ્?ભાગ્ય છે કે હું તારો પુત્ર છું. આમ, સાસુ વહુ પરાયણ વહુ સાસુ પરાયણ, સાસુ ને વહુ બંને ઈશ પરાયણ, માતા પુત્ર પરાયણ પુત્ર માતા પરાયણ અને પુત્ર અને માતા બંને ઈશ પરાયણ થાય તો ઘરમાં સ્વર્ગ ઊતરે.
ઘર સ્વર્ગીય સુખ માણે દરેક ઘરની વહુઓને આવી સાસુઓ મળે તેવી પ્રભુને પ્રાર્થના. આવી સાસુઓ જ ઘરને ઇશાભિમુખ કરશે. કુળની પરંપરાનું ગૌરવ અને ગરીમા વારસામાં વહુઓને આપશે તો તે સાચો સાસુ ધર્મ છે. તેવો સાસુ ધર્મ પ્રભુને પણ જરૂર ગમશે.