કેદીઓને સારા નાગરિક બનાવવાની મહત્વપૂર્ણ જવાબદારી જેલ સહાયકોના શિરે
જેલ સહાયક તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહ- અમદાવાદ જેલ સ્ટાફ ટ્રેનિંગ સ્કૂલના પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૯૬ જેલ સહાયક તાલીમાર્થીઓનો દિક્ષાંતપરેડ સમારોહ યોજાયો
અમદાવાદની જેલ સ્ટાફ તાલીમ શાળાના પરેડ ગ્રાઉન્ડ ખાતે 12માં દીક્ષાંત પરેડ સમારોહને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કેદીઓને સારા નાગરિક બનાવવાની મહત્વપૂર્ણ જવાબદારી તાલીમબદ્ધ જેલ સહાયકોના શિરે રહેલી છે.
અમદાવાદના જેલ સ્ટાફ ટ્રેનિંગ સ્કૂલના પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૯૬ જેલ સહાયક તાલીમાર્થીઓના દિક્ષાંત પરેડ સમારોહને સંબોધતા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જેલ-સ્ટાફની બદલાયેલી ભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યું કે, સ્વતંત્રતા પૂર્વે જેલમાં આવતા કેદીઓમા મોટાભાગે સ્વાતંત્ર્યવીરો હોતા,
પણ આજે સમાજ-જીવનમાં અશાંતિ ઉભી કરતા અથવા ખલેલ પહોંચાડતા વ્યક્તિઓ કેદી તરીકે આવે છે. ત્યારે તેમને પણ સારા નાગરિક બનાવવાનું મહત્વનું કાર્ય જેલ-સ્ટાફે કરવાનું છે. તેમણે તાલીમાર્થીઓને અનુરોધ કરતાં કહ્યું કે, તાલીમ દરમિયાન મેળવેલું જ્ઞાન આપના રોજબરોજના કાર્યમાં ઉપયોગમાં લેશો. તેમણે એમ પણ કહ્યું કે, આપ હવે જેલની કરોડરજ્જુ સમાન છો.
શ્રી હર્ષ સંઘવીએ જેલ સ્ટાફનુ મહત્વ રેખાંકિત કરતાં કહ્યું કે, આપણે કેદીના જીવનમાં પરિવર્તન આણી સમાજ-પરિવર્તનમાં પોતાનું યોગદાન આપી શકીએ છીએ.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતની જેલમાં થઈ રહેલી નમૂનારૂપ કામગીરીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વડોદરા જેલમાં કેદીઓ દ્વારા ફર્નિચર બનાવવામાં આવે છે, જ્યારે સુરતની જેલમાં કેદીઓ દ્વારા જે હીરા ઘસવામાં આવે છે તે દેશ-વિદેશમાં મોકલવામાં આવે છે, જે ગૌરવપૂર્ણ બાબત છે. તેમણે ગુજરાતની જેલમાં લાયબ્રેરી, રેડિયો સ્ટેશન અને જિમ જેવી વિકસાવાયેલી સુવિધાઓનો પણ આ તકે ઉલ્લેખ કર્યો હતો.
આ દીક્ષાંત પરેડ સમારોહમાં મુખ્ય અતિથિ શ્રી તરીકે અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી ડો. કે. એલ.એન રાવ, જેલ તાલીમ શાળાના પ્રિન્સિપાલ શ્રી નસીરુદ્દીન લુહાર તેમ જ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.