પેટલાદમાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી વિજ્ઞાત્રી પટેલ નજરકેદ

(પ્રતિનિધિ) પેટલાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તથા આણંદ જીલ્લાના કદ્દાવર નેતા વિજ્ઞાત્રી પટેલનું નિવાસસ્થાન પેટલાદ ખાતે આવેલ છે. આજરોજ વહેલી સવારથી જ તેઓને ત્યાં પેટલાદ ટાઉન પોલીસ મથકનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. જેને કારણે શહેરમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બનવા પામ્યો હતો.
પરંતુ ત્યારબાદ જાણવા મળેલ કે તેઓ આજરોજ ગાંધીનગર ખાતે યુવા કોંગ્રેસ દ્વારા આયોજીત વિધાનસભા ઘેરાવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી નજરકેદ કરવામાં આવ્યા હતા. ગુજરાત ભાજપની આ તાનાશાહીને તેઓએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદના સાંઈનાથ રોડ સ્થિત યશ બંગ્લોઝ ખાતે કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતા વિજ્ઞાત્રી પટેલનું નિવાસસ્થાન આવેલ છે. છેલ્લા ઘણાં વર્ષોથી વિજ્ઞાત્રી પટેલ કોંગ્રેસમાં કદ્દાવર અને એંન્ગ્રી વુમન નેતા તરીકે સ્ક્રીય ભૂમિકામાં છે. તેઓ સંગઠન ઉપરાંત આણંદ જીલ્લા પંચાયતમાં ત્રણ ટર્મ સુધી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ વિધાનસભા ચૂંટણી વખતે પણ આણંદ જીલ્લાની બેઠકો અંકે કરવામાં ખૂબજ સક્રિય રહેતા હોવાનું જગજાહેર છે.
છેલ્લી બે ટર્મ દરમ્યાન તેઓ પેટલાદ, સોજીત્રા, ખંભાત જેવી બેઠકો માટે સંભવિત ઉમેદવાર ગણવામાં આવતા હતા. જેથી જ આગામી સમયમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તે પૂર્વે તેઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તેઓની નિમણૂંકને લઈ આણંદ જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે આજરોજ વહેલી સવારથી જ તેઓના નિવાસ સ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવાતા શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જે અંગે તેઓએ મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે આજરોજ યુવા કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ખાતે યુવા સ્વાભિમાન સંમેલન રાખવામાં આવ્યું હતું. જેના દ્વારા ગુજરાત વિધાનસભાનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.
કારણકે ગુજરાતમાં ભાજપ સરકાર યુવાનોને રોજગારી અને નોકરી આપવામાં નિષ્ફળ રહી છે. ગુજરાત હાલ બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. વધતી જતી મોંઘવારીને કારણે લોકોનું જીવન જીવવું અસહ્ય થઈ પડ્યું છે.
આજના આ કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનું હોવાથી આજરોજ સવારથી જ મારા નિવાસ સ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આવી તાનાશાહી ચલાવવામાં આવી રહી છે. આ અંગે પેટલાદ ટાઉન પોલીસ મથકના પીઆઈ એ જે ચૌહાણે જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે વિધાનસભા ઘેરાવ કાર્યક્રમમાં વિજ્ઞાત્રીબેન પટેલ જવાના હોવાથી તેઓના નિવાસ સ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.