Western Times News

Gujarati News

યુએસ જતા ૩૭ ગુજરાતીઓના પાસપોર્ટ સાથે તુર્કીમાં એજન્ટ ફરાર

પ્રતિકાત્મક

અમદાવાદ, યુ.એસ.માં ગેરકાયદેસર ઘુસણખોરી સાથે સંકળાયેલા કેસોની તપાસ કરતી પોલીસને જાણવા મળ્યું છે કે માનવ તસ્કરોના ગ્રુપના એક વ્યક્તિ તુર્કીમાં ફસાયેલા ૩૭ ગુજરાતી પરિવારોના પાસપોર્ટ સાથે ગાયબ થઈ ગયો છે. આ એ પરિવારો છે જે કોઈપણ ભોગે અમેરિકા પહોંચવા માટે નીકળ્યા હતા અને માનવ તસ્કરોએ તેમને તુર્કીના ઈસ્તાંબુલમાં બંધક બનાવીને રાખ્યા હતા.

આ પરિવારો મેક્સિકો જવા માટે તુર્કી ગયા હતા જ્યાંથી તેઓ યુએસ બોર્ડર ક્રોસ કરવાના હતા. પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે અલી ખાન તરીકે ઓળખાયેલ વ્યક્તિ ઇસ્તંબુલમાં માનવ તસ્કરી કરતા જૂથ સાથે કામ કરતો હતો અને તેણે આ પરિવારો પાસેથી પાસપોર્ટ છીનવી લીધા હતા.

જેના આધારે તે આ પરિવારો પાસેથી રુપિયા પડાવવા માટે દબાણ કરવા માટ આ ડોક્યુમેન્ટ્‌સનો ઉપયોગ કરી રહ્યો છે. તેમ પોલીસે જણાવ્યું હતું. ગુજરાત પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “જ્યારે આ ગુજરાતી પરિવારોને ઈસ્તાંબુલમાં અલગ-અલગ ભાડાના એપાર્ટમેન્ટમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારે ખાન માનવ તસ્કરી ગેંગને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડતો હતો.

દસ્તાવેજાે સાથે ગાયબ થયા બાદ ખાને પરિવારજનો પાસેથી રુપિયાની માંગણી શરૂ કરી હતી. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે પરિવારને તુર્કી લાવનારા માનવ તસ્કરી ગેંગના લોકોને પણ ખાનના ઠેકાણા વિશે ખબર નથી. આ પરિવારોને ૧૦ થી ૨૦ જાન્યુઆરીની વચ્ચે ફ્લેટમાં રાખવામાં આવ્યા હતા.

ગુજરાતી પરિવારોને બે ગુજરાત સ્થિત આંગડિયાઓ દ્વારા આપવામાં આવેલા નાણાં દ્વારા ફ્લેટમાં તમામ પ્રકારની વૈભવી વસ્તુઓ મળતી હતી. અન્ય એક પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે તેથી તુર્કી માફિયાએ તેમની પાસેથી વધુ રુપિયા પડાવવાનું નક્કી કર્યું હતું.

અધિકારીએ ઉમેર્યું, ‘તે દરમિયાન, ખાન ચિત્રમાં આવ્યો. તેણે દરેક પરિવાર પાસેથી ૨,૦૦૦ ટર્કિશ લીરા (આશરે રૂ. ૧૦,૦૦૦) સુધીની માંગણી કરી. જ્યારે પરિવારો ચૂકવણી કરવામાં અસમર્થતા દાખવી ત્યારે તે તેમના પાસપોર્ટ સાથે ગાયબ થઈ ગયો હતો.

હવે, આ પરિવારોને બચાવવાનો પડકાર વધુ મુશ્કેલ બની ગયો છે કારણ કે તેમની પાસે મુસાફરીના કોઈ ડોક્યુમેન્ટ્‌સ નથી. પોલીસે જણાવ્યું કે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના ૧૧૮ ગુજરાતી પરિવારો તુર્કીમાં ફસાયેલા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.