Western Times News

Gujarati News

ચીનમાં કડક લોકડાઉન : માત્ર ટેસ્ટિંગ માટે જ ઘર બહાર નીકળવાની પરવાનગી

શાંઘાઈ, ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોવિડ-19ના વધતા જતા કેસોને નિયંત્રિત કરવા માટે ફરીથી લોકડાઉન લાદવામાં આવ્યું  છે. સરકારે 9 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી દિધી છે.

સરકારે ચીનના શાંઘાઈમાં દરેક વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત કર્યો છે. આ સાથે જ લોકોને તેમના ઘરોમાં રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાનો આદેશ કરવામાં આવ્યો છે. હાલ તમામ જરૂરી ઓફિસો સિવાય અન્ય તમામ ઓફિસો બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ચીનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. શાંઘાઈમાં જાહેર પરિવહન સેવા બંધ કરી દેવામાં આવી છે તથા શહેરની ફેકટરીઓ અને ઉત્પાદન એકમોને તેમની કામગીરી અટકાવી દેવા અથવા ઘરેબેઠાં કામ કરવા કહેવામાં આવ્યું છે.

બેઈજિંગ, શાંઘાઈ સહિત ચીનના લગભગ 12 પ્રાંતોમાં કોવિડ-19ના નવા કેસમાં વધારો થયો છે. કોરોના વકરતા તંત્રે શાંઘાઈમાં શાળાઓ પણ બંધ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, 2.6 કરોડની વસ્તીવાળા શહેરમાં પહેલેથી જ ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શાંઘાઈ ડિઝની પાર્ક પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ચીનમાં આ મહિને 56,000થી વધુ સંક્રમણના કેસ નોંધાયા હતા. જેમાંથી મોટાભાગના ઉત્તર-પૂર્વ પ્રાંત જિલિનમાં નોંધાયા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું હતુ કે, ઓમિક્રોન વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ BA.2ને કારણે ચીન, હોંગકોંગ, યુરોપ અને અમેરિકાના ભાગોમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાની નવી લહેર આવી રહી છે. જોકે ભારતમાં સ્થિતી સારી છે અને કોરોનાના કેસ કાબૂ હેઠળ છે. જોકે ચીનની સ્થિતિથી આપણે પણ ચેતવણી લેવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.