મહેસાણા જિલ્લામાં ઢોર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો
મહેસાણા, મહેસાણા જિલ્લામાંથી રાતના સમયે ઢોર (ભેંસો) ચોરી કરતી ગેંગના એક સભ્યને બે ગાડી સહિત કુલ રૂ.૬.૫૦ લાખના મુદ્દામાલ સાથે મહેસાણા એલસીબીએ ઝડપી લઈ જિલ્લામાં ૯ ઢોરની ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ચોરેલાં ઢોર ખરીદનાર સહિત ચાર વોન્ટેડની શોધખોળ હાથ ધરાઈ છે.
જિલ્લામાં વાડામાં કે ઘર આગળ બાંધેલી ભેંસો (જાેટાં)ની ચોરીના વધેલા બનાવના પગલે જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે એક્શન પ્લાન બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલી સૂચના અનુસંધાને એલસીબી પીઆઈ એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.કે.વાઘેલા, એએસઆઈ હીરાજી, રાજેન્દ્રસિંહ, જયવિરસિંહ, નરેન્દ્રસિંહ, હે.કો.રશ્મેન્દ્રસિંહ, લાલાજી, સન્નીકુમાર, કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, યોગેશકુમાર સહિત સ્ટાફ નાઈટ રાઉન્ડમાં હતા ત્યારે સાંગણપુર હાઈવે પર જીજે-૧-એચજે-૭૮૮૨ નંબરની સ્કોર્પિયો તથા જીજે-૧-કેજે-૧૧૪૨ નંબરની ફીયાટ પૂન્ટો ગાડીમાં શકમંદો ઢોર ચોરી કરવા આવ્યા હોવાની બાતમી મળી હતી.
જેથી એલસીબી સ્ટાફે સાંગળપુર હાઈવેની બાજુમાં પડેલી આ બે ગાડીઓની તપાસ કરતાં સ્કોર્પિયોનો ચાલક આશીફ ઉર્ફે કોમલ અસલમભાઈ શેખ (રહે. અમદાવાદ, વટવા, વશેન્દ્ર ગજેન્દ્ર ગડકર નગર) પકડાયો હતો.
બંને ગાડીઓમાં પાછળ સીટો નહોતી અને નેટ પાથરેલી હતી. પોલીસે બંને ગાડીઓમાંથી દોરીનાં ગુંચડાં, લાકડાના ધોકા, દાતરડું તથા થેલામાં પથ્થર ભરેલા મળ્યા હતા. પૂછરપછ કરતાં અન્ય ત્રણ શખ્સો સાથે મળી તેઓ ઢોર ચોરી કરવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી.
અન્ય ત્રણ સાંગણપુરની સીમમાં ઢોર જાેવા ગયા હતા, જેઓ મળ્યા નહોતા. અગાઉ બાવલુ પોલીસ મથકની બે ઢોર ચોરીમાં વોન્ટેડ હોવાનું તેમજ લાંઘણજ પોલીસ મથકના ૨, મહેસાણા તાલુકામાં ૧ અને બાવલુ પોલીસ મથકના ૨ મળીને કુલ પાંચ ગુનામાં કુલ ૯ ઢોર ચોરીનો ભેદ ઉકેલાયો હતો.HS