ભારતમાં પ્રતિ ૧૦ લાખ વસ્તીએ કોરોનાને કારણે માત્ર ૩૭૪ મૃત્યુ
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વિશ્વમાં સૌથી ઓછો છે. કેન્દ્ર સરકારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ટાંકીને કહ્યું કે ભારતમાં કોવિડથી મૃત્યુનો દર ૧૦ લાખ દીઠ ૩૭૪ છે. યુએસ, બ્રાઝિલ, રશિયા અને મેક્સિકો જેવા દેશોની સરખામણીમાં આ સૌથી ઓછો છે.
રાજ્યસભામાં એક લેખિત જવાબમાં, કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી, ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે કેટલાક અહેવાલોમાં મૃત્યુઆંકના સંદર્ભમાં ખૂબ ઊંચા અંદાજાે દર્શાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આવા અહેવાલો અમાન્ય પદ્ધતિઓ પર આધારિત હોય છે અથવા તો તેઓએ તેમાં જે ડેટાનો ઉપયોગ કર્યો છે તે વિશ્વસનીય નથી.
પવારે જણાવ્યું હતું કે મોટાભાગના આવા અભ્યાસોના પરિણામો ઓછા વસ્તીવાળા જૂથોના મર્યાદિત નમૂનાઓમાંથી ગાણિતિક મોડેલિંગ તકનીકોમાંથી લેવામાં આવ્યા છે. પવાર ભારતમાં કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો અંગેના એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ડબ્લ્યુએચઓ તરફથી ઉપલબ્ધ ડેટા અનુસાર, ભારત એવા દેશોમાં સામેલ છે જ્યાં દર ૧૦ લાખની વસ્તીમાં સૌથી ઓછા મૃત્યુ થાય છે. આ રોગચાળાથી સમાન રીતે પ્રભાવિત યુએસ (૨૯૨૦ પ્રતિ મિલિયન વસ્તી), બ્રાઝિલ (૩૦૯૨), રશિયા (૨૫૦૬) અને મેક્સિકો (૨૪૯૮) કરતાં ઘણું ઓછું છે.HS