વીજની માગ વધતાં પાવર પ્લાન્ટ્સમાં કોલસો ઘટ્યો
નવી દિલ્હી, આકરાં ઉનાળાની શરૂઆત અને અર્થવ્યવસ્થા રિકવર થઇ રહી છે તેવા અણીના સમયે દેશમાં એકવાર ફરી વીજ કટોકટી સર્જાવાના એંધણા દેખાઇ રહ્યા છે. એક બાજુ સરકારી કંપનીએ કોલસાની સપ્લાયમાં કાપ મૂક્યો છે તો બીજી બાજુ વીજળીની માંગ વધતા પાવર પ્લાન્ટો ખાતે કોલસાનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો છે.
તાજેતરના વર્ષોમાં ભારતમાં કોલસાની સૌથી વધુ અછતને કારણે કેટલાક રાજ્યોમાં ૧૪ કલાક સુધી વીજ કાપ મુકાયાના થોડાંક મહિનાઓ બાદ ફરીવાર કોલસાની સપ્લાયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઉનાળાની શરૂઆત સાથે જ દેશમાં વીજળીની માંગ વધતા કોલસાની અછતે ચિંતા વધારી દીધી છે.
સરકારી માલિકીની કોલ ઈન્ડિયા કંપની જે દેશમાં કોલસાના કુલ ઉત્પાદનમાં ૮૦ ટકાથી વધુ યોગદાન આપે છે, તેણે બિન પાવર ક્ષેત્રો – જેમાં એલ્યુમિનિયમ સ્મેલ્ટર અને સ્ટીલ મિલોનો સમાવેશ થાય છે તેમના માટે સપ્લાય ઘટાડીને દૈનિક ૨૭૫,૦૦૦ ટન કરી છે, જે ફેબ્રુઆરી કરતાં ૧૮.૩% અને માર્ચ ૨૦૨૧ કરતાં ૨૯.૮% ઓછો જથ્થો છે.
કેન્દ્રીય કોલસા મંત્રાલયે આગામી ત્રણ મહિનામાં ઔદ્યોગિક એકમો માટે કોલસાની ત્રણ હરાજી હાથ ધરવાની યોજના પણ સ્થગિત કરી છે અને તેના બદલે એક ત્રિમાસિકમાં એક જ હરાજી કરવાનું આયોજન છે.
વેબસાઇટ પર નોટિસ મુજબ, કોલ ઈન્ડિયાની કંપની, સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સે ૧૧ માર્ચે હાથ ધરેલી હરાજી માટે ચૂકવણીની તારીખ લંબાવી છે, જેના કારણે સપ્લાયમાં વિલંબ થયો છે, અને ૨૧ માર્ચે નિર્ધારિત બીજી હરાજી પણ રદ કરી હતી.
કોલ ઈન્ડિયા દ્વારા ઉત્પાદન અને સપ્લાય સામાન્ય રીતે એપ્રિલથી ઘટે છે અને જૂનથી સપ્ટેમ્બર સુધી તેમાં વધુ ઘટાડો આવે છે કારણ કે ચોમાસાની સિઝનમાં કોલસાની કેટલીક ખાણોમાં ઉત્પાદન મર્યાદિત થઇ જાય છે.
સરકારી કંપની પાસે રહેલો કોલસાનો જથ્થો ફરજિયાત ઇન્વેન્ટરીના ૨૨% સુધી ઘટી ગયો છે. ૨૫ ટકાથી નીચા ઈન્વેન્ટરી લેવલને “ગંભીર” ગણવામાં આવે છે. ભારતના વીજ ઉત્પાદનમાં કોલસાનો હિસ્સો લગભગ ૭૫ ટકા જેટલો છે.SSS