કસાબને જીવતો પકડનારા ૧૪ પોલીસને પ્રમોશન અપાશે
મુંબઈ, મહારાષ્ટ્ર સરકારે મુંબઈના ગુનેગાર આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડતી વખતે બહાદુરી દાખવનારા ૧૪ પોલીસકર્મીઓને પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજ્ય વિધાનસભાની બહાર પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ જાહેરાત કરી હતી.
પ્રમોશન મળ્યું તે કર્મચારીઓને ઈનામ તરીકે મેડલ અને સન્માન તો વર્ષ ૨૦૦૮માં જ મળી ગયા હતા પરંતુ ત્યારે તેમનું પ્રમોશન નહોતું થયું. હવે આટલા વર્ષો બાદ સરકારે તે ઉણપને પણ પૂરી કરી દીધી છે.
ગત ૨૨ માર્ચના રોજ આ પોલીસ અધિકારીઓને ‘one-step’ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે આ પોલીસકર્મીઓને ૨થી ૮ લાખ રૂપિયાની વચ્ચે મોનેટરી બેનિફિટ મળી શકે છે.
મહત્વની વાત એ પણ છે કે, આ પ્રમોશન વર્ષ ૨૦૦૮થી જ પ્રભાવી માનવામાં આવશે. અહીં ‘one-step’ પ્રમોશનનો અર્થ થાય છે કે, તે અધિકારીઓને તેમના પદથી એક પદ ઉપરના અધિકારીઓ જેટલો પગાર આપવામાં આવશે.
ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે, આતંકી હુમલામાં શહીદ થયેલા તુકારામ ઓમ્બલે અને અન્ય ૧૪ પોલીસકર્મીઓએ આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડી પાડ્યો હતો. સરકારે આ ૧૪ બહાદુર પોલીસકર્મીઓને પ્રમોશન આપવાનો ર્નિણય લીધો છે.
૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ પાકિસ્તાનના આતંકવાદીઓએ દરિયાઈ માર્ગે આવીને મુંબઈ પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં ૧૮ સુરક્ષાકર્મીઓ સહીત ૧૬૬ લોકો માર્યા ગયા હતા અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. માત્ર એક આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો જેને ૨૧ નવેમ્બર ૨૦૧૨ના રોજ ફાંસી આપવામાં આવી હતી.SSS