Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓની ૧૦૦% હાજરી મુદ્દે ગુજરાત સરકારનો યૂ-ટર્ન

અમદાવાદ, ગુજરાત સરકારે બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ હાજરીના મામલે યુ-ટર્ન માર્યો છે. ફેબ્રુઆરીમાં ર્નિણય લેવાયો હતો કે શાળાઓમાં વિદ્યાર્થીઓની ૧૦૦ ટકા હાજરી ફરજિયાત રહેશે. પરંતુ બુધવારે કોર્ટમાં સરકારે કહ્યું કે, ગુજરાત બોર્ડ સંલગ્ન સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ફરજિયાત હાજરી જરૂરી નથી. હાજરીનો ર્નિણય વાલીઓ અને વિદ્યાર્થીઓ પર છોડી દેવાયો છે, તેમ સરકારે જણાવ્યું.

ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ રાજ્ય સરકારનું નિવેદન રેકોર્ડ કર્યું હતું. “શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે રાજ્યની ગુજરાત બોર્ડ સંલગ્ન સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ હાજરી જરૂરી નથી.

આ ર્નિણય જે-તે સ્કૂલ અને વાલી પર છોડી દેવાયો છે”, તેમ સરકારે કહ્યું. રાજ્ય સરકારે કોર્ટમાં સ્પષ્ટતા કરી કે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા કે નહીં તેનો ર્નિણય વાલી પર આધાર રાખે છે પરંતુ તેઓ એ વાત પર અડગ રહ્યા કે હવે ઓનલાઈન અભ્યાસને મંજૂરી નથી. હાજરી ફરજિયાત નથી અને વાર્ષિક પરીક્ષામાં તેને ધ્યાને નહીં લેવાય તે સ્વીકારતાં સરકારી વકીલે કેંદ્ર સરકારની ગાઈડલાઈન ટાંકી હતી.

ઉલ્લેખનીય છે કે, ૧૮ ફેબ્રુઆરીએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડીને જાહેર કર્યું હતું કે, શાળામાં ૧૦૦ ટકા હાજરી ફરજિયાત છે અને ૨૧ ફેબ્રુઆરીથી ઓનલાઈન એજ્યુકેશન બંધ થઈ જશે.

આ પરિપત્રની વિરુદ્ધમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેના પગલે સરકારને હાજરીના નિયમો પર સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. જાહેરહિતની અરજી કરનારા વ્યક્તિએ ઉલ્લેખ કર્યો હતો કે, સરકારના આ ર્નિણયના કારણે વિદ્યાર્થીઓનો જીવ જાેખમાઈ શકે છે કારણકે હજી સુધી બધા વિદ્યાર્થીઓને રસી અપાઈ નથી.

ઉપરાંત, ફરજિયાત હાજરીનો આગ્રહ રાજ્ય સરકાર અને કેંદ્ર સરકારની કોવિડ-૧૯ની ગાઈડલાઈનથી વિસંગત છે કારણકે માર્ગદર્શિકા મુજબ બંધ જગ્યામાં મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડવાના હોય છે, તેમ અરજીકર્તાએ જણાવ્યું.

અરજીકર્તાએ કોર્ટને વિનંતી કરી કે તેઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સંલગ્ન સ્કૂલોના મામલે પણ દખલગીરી કરે. જાેકે, કોર્ટે વિનંતી અસ્વીકારતાં કહ્યું કે, જેઓ કોર્ટ સમક્ષ હાજર નથી તેમના અંગે ર્નિણય ના કરી શકે. જે રાહત આપવામાં આવી છે તે માત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) સંલગ્ન સ્કૂલો પૂરતી જ સીમિત છે. હાઈકોર્ટે PIL પર વધુ સુનાવણી જૂન મહિનામાં મુલતવી રાખી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.