રાજસ્થાન: 12 કિલો RDX સાથે 3 આતંકવાદી ઝડપાયા
જયપુર, જયપુરને સિરિયલ બોમ્બવિસ્ફોટોથી હચમચાવી નાખવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. રાજસ્થાન પોલીસે બુધવારે ચિત્તોડગઢના નિમ્બાહેડામાં મધ્યપ્રદેશના સૂફા સંગઠનના 3 આતંકવાદીની ધરપકડ કરી છે. તેમની કારમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી, ટાઈમર અને 12 કિલો RDX મળી આવ્યું છે.
આરોપીઓ નિમ્બાહેડામાં બોમ્બ બનાવીને અન્ય ગેંગને આપવાના હતા, જેથી તેઓ જયપુરમાં 3 જગ્યાએ સિરિયલ બ્લાસ્ટ કરી શકે. ષડયંત્રને અંજામ આપે એ પહેલાં જ પોલીસે તેમને પકડી લીધા હતા. રાજદ્રોહના કેસમાં કુખ્યાત સૂફા સંગઠન 2012-13માં મધ્યપ્રદેશના રતલામમાં સક્રિય થયું હતું. ઘણાં વર્ષો સુધી શાંત રહ્યા બાદ આ આતંકવાદી સંગઠન ફરી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.
સૂફા એ કટ્ટરપંથી વિચારધારા ધરાવતા 40-45 યુવાનોનું ઈસ્લામિક સંગઠન છે. તે આતંકવાદીઓના સ્લીપર સેલની જેમ કામ કરે છે. આ સંસ્થા સમાજમાં કટ્ટરપંથી વિચાર અને પ્રથાઓની તરફેણ કરે છે. તેણે મુસ્લિમ સમાજના લગ્નો અને અન્ય કાર્યક્રમોને હિંદુ રીતિ-રિવાજો તરીકે ગણાવીને વિરોધ કર્યો હતો.
આતંકવાદીઓની પૂછપરછ કરવા માટે ઉદયપુર અને જયપુર ATSની ટીમ બુધવારે મોડી સાંજે નિમ્બાહેડા પહોંચી હતી. મધ્યપ્રદેશની ATS પણ તેમની પૂછપરછ કરવા પહોંચી રહી છે.
ઉદયપુર આઈજી હિંગલાજ દાને જણાવ્યું કે આરોપીઓનાં નામ ઝુબેર, અલ્તમસ અને સરફુદ્દીન ઉર્ફે સૈફુલ્લાહ છે. તેઓ રતલામથી ભાગી ગયા હતા અને નિમ્બાહેડા નજીક રાણીખેડામાં રહેતા હતા. રાજસ્થાનમાં પકડાયેલા આરોપીઓની સૂચના પર રતલામમાંથી પણ બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.