આદિવાસી મહિલાઓ અને યુવાનોના કલ્યાણ માટે કાર્યરત રમીલાબેન ગામીતને પદ્મશ્રી
અમદાવાદ, ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતાં આદિવાસી સમુદાયની મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા તથા બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે વિવિધ સેવા કાર્યો કરવા બદલ તાજેતરમાં કેન્દ્ર સરકારે રાજ્યના સોનગઢ તાલુકાના રમીલાબેન સાયસીંગ ગામીતને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યાં છે.
ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરનાર રમીલાબેને આદિવાસી સમુદાયના સદસ્યોના ઉત્કર્ષ અને કલ્યાણ માટે પોતાની કોઠાસુઝથી સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ટોઇલેટના બાંધકામ, બાળકોમાં કુપોષણ નાબૂદી તેમજ ગ્રામિણ યુવાનોને રમત-ગમત ક્ષેત્રે પણ આગળ વધારવા માટે જરૂરી સહયોગ અને માર્ગદર્શન પ્રદાન કર્યું હતું, જેના ખૂબજ સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયાં છે.
આજે તેમની સેવા પ્રવૃત્તિને કારણે ઘણાં પરિવારોની આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે તથા તેમની કામગીરી બીજા લોકો માટે પ્રેરણા પણ બની છે.
આ અંગે ખુશી વ્યક્ત કરતાં પદ્મશ્રી રમીલાબેને જણાવ્યું હતું કે, મને પ્રાપ્ત થયેલાં સન્માન બદલ હું રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરું છું.
આ પ્રસંગે આરતીબેન ભીલે જણાવ્યું હતું કે, સૌપ્રથમ પદ્મશ્રી સન્માન મેળવવા બદલ હું રમીલાબેન ગામીતને સમગ્ર આદિવાસી સમાજ અને ગુજરાતની જનતા વતી અભિનંદન પાઠવું છું. તેમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે હજારો પરિવારના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને આજે તેઓ ગર્વથી ગુણવત્તાયુક્ત જીવન જીવવા માટે સક્ષમ બન્યાં છે.
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળની સરકારે સમાજના દરેક વર્ગના ઉત્કર્ષ માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે અને તેના સકારાત્મક પરિણામો આપણે જાેઇ પણ રહ્યાં છીએ. મને વિશ્વાસ છે કે આ યોજનાઓના માધ્યમથી આપણે એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું સાકાર કરી શકીશું.