બપોરે બહાર નીકળવાનું ટાળજો: કાળઝાળ ગરમી ત્રાહિમામ્ પોકારાવશે
અનેક શહેરમાં ગરમીમાં ત્રણ ડિગ્રીનો વધારો: પારો ૪૩ ડિગ્રીએ પહોંચી શકે
(એજન્સી) અમદાવાદ, અમદાવાદમાં આખો દીવ્સ પડેલી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ૪૧ ડીગ્રી ગરમી હોવા છતાં ૪ર-૪૩ જેવો અનુભવ થતો હતો. સાથે સાથે રાજયના ૧૦ શહેરમાં ૪૦ ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધાયું હતું જેમાં અમરેલી અને જૂનાગઢમાં સૌથી વધુ ૪૧.૭ ડિગ્રી તાપમાન અને દરિયાકાંઠાનું પર્યટન સ્થળ હોવા છતાં પણ દિવમાં ૪૧ ડિગ્રી ગરમી નોંધાઈ રહી છે.
તેના કારણે પ્રવાસીઓ કંટાળી ગયા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૪૮ કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય પરંતુ ત્રણ દિવસ સુધી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઉંચકાશે જેના કારણે શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગરમીની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં થાય તેવી શકયતા છે. ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાંના સહારે છે.
લોકો ગરમીથી રાહત મેળવવા માટે લીંબુ શરબત, લલ્સી, સાકર ટેટીના જયૂસ સહિતનું સેવન કરી રહ્યા છે. આગામી પાંચ દિવસ સુધી મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ વિસ્તારોને લૂથી ભારે પરેશાની થશે. પંજાબ, હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં ડ્રાય સાઈકલોનિક સકર્યુલેશન ચાલુ છે. જેના કારણે આ વિસ્તારોમાં ગરમી સતત વધી રહી છે. છેલ્લા ર૪ કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિ જાેવા મળી રહી છે.
ગરમ પવનોના કારણે લોકોનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આસપાસના અનેક વિસ્તારોમાં હિટવેવ શરૂ થઈ શકે છે. તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર જઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ યુપીના ભાગો અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગોમાં ભીષણ લૂ લાગવાની આગાહી કરી છે સાથે દક્ષિણ હરિયાણા, દિલ્હી અને હિમચલના ભાગોમાં પણ હિટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જાેકે શુક્રવારથી આગામી બે દિવસ સુધી કેટલીક જગ્યાએ થોડા સમય માટે રાહત થવાની શકયતા છે.