ખેડૂત સાથે લોનના બહાને બોગસ દસ્તાવેજાે બનાવી ૭ લાખની ઠગાઈ
રાજપારડી બેંક ઓફ બરોડાના તત્કાલીન મેનેજર અને બે વચેટિયાઓએ દસ્તાવેજાે મેળવી આચરેલું કૌભાંડ
(પ્રતિનિધિ) ભરૂચ, ફરિયાદીના પિતા અને ભાઈનું બેંકમાં બોગસ એકાઉન્ટ ખોલી,લોનના દસ્તાવેજાે બનાવી અન્ય લોકોના ફોટ્સ ચોંટાડી, જાતે અંગૂઠા લગાવી લોનના રૂપિયા મેળવી લીધા હતા.
રાજપારડીની બેંક ઓફ બરોડા શાખામાં ઝઘડિયાના બલેશ્વર ગામના ખેડૂતના પિતા અને ભાઈના દસ્તાવેજાે ઉપર બોગસ એકાઉન્ટ ખોલી બેંક મેનેજર સહિતના મેળાપીપણામાં રૂપિયા ૭ લાખનું કૃષિ લોન કૌભાંડ આચરાયું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના અમરત વિરસિંગ વસાવાના ઘરે રાજપારડી બેંક ઓફ બરોડાના અધિકારીઓએ આવી તમે ક્રોપ લોન લીધેલી તેના હપ્તા કેમ નથી ભરતા તેમ જણાવ્યું હતું. જેટકોમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા અમરતભાઈએ રાજપારડી મ્ર્ંમ્ માં તપાસ કરતા ચોંકાવનારું કૃષિ લોન કૌભાંડ બહાર આવ્યું હતું.
તેમના પિતા વિરસિંગભાઈ અને મોટા ભાઈના નામે જમીનના કાગળો મેળવી બોગસ એકાઉન્ટ ખોલાવી તેના પર ખોટા અંગૂઠા લગાવી રૂપિયા ૭ લાખની લોન વર્ષ ૨૦૧૪ માં મેળવી લેવાઈ હતી. જે લોનમાં તત્કાલીન બેંક મેનેજર ઠાકોર લલ્લુભાઈ પરમાર,
લોનના કાગળિયા બનાવતા સરસાડ ગામના ગણેશ શંકર વાળંદ અને રાજપારડીના કમલેશ ઉર્ફે જીગો વસાવાએ આ સમગ્ર કૌભાંડ આચરી લોનના રૂપિયા મેળવી લીધા હતા.ખેડૂતે રાજપારડી પોલીસ મથકે ત્રણે આરોપીઓ સામે ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.કૌભાંડમાં ગણેશે યેનકેન પ્રકારે અમરતભાઈના પિતા અને ભાઈના આધાર,ચૂંટણી અને રેશનકાર્ડ તેમજ જમીનોના કાગળ મેળવી લીધા હતા.
જ્યારે કમલેશ ઉર્ફે જીગએ ફરિયાદીના પિતાના ફોટાના સ્થાને તેના દાદાનો અને ભાઈના ફોટાના સ્થાને તેના પિતાનો ફોટો લોનના કાગળમાં લગાડી આ બને સહીઓ કરતા હોય જેના સ્થાને અંગૂઠાના નિશાન લગાવ્યા હતા. જ્યારે સાક્ષીઓ અને જામીનદારમાં બીજા નામો અને લોકોને ઉભા કર્યા હતા.