કુરીયરની ઓફિસમાં કાર્ટુનો ખોલ્યા તો મળ્યો 1.64 લાખનો દારૂ
ભરૂચ LCBનો અંકલેશ્વરની મેટ્રો કુરિયરની ઓફિસમાં દરોડો -કાર,એક્ટિવા મળી કુરિયરના સંચાલક સહિત ૨ ની ધરપકડઃ ૨ વોન્ટેડઃ ૪.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત
(પ્રતિનિધિ) ભરૂચ, લો બોલો હવે કુરિયરની આડમાં દારૂનો ધંધો થતો હોવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે. ભરૂચ એલસીબીએ એ મેટ્રો કુરિયરની ઓફિસમાં દરોડા પાડ્યા હતા.સર્ચ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ટ્રિપલ બોક્ષમાં સંતાડી પાર્સલ સ્વરૂપે દારૂનો જથ્થો મળી આવ્યો હતો.કુરિયરની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરતા કુરિયર સંચાલક સહિત ૨ આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી ૧.૬૪ લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.જયારે ૨ ને વોન્ટેડ જાહેર કર્યા હતા. એક કાર ,એક્ટિવા મળી કુલ ૪.૬૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
ભરૂચ એલસીબીએ ની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.દરમ્યાન જીઆઈડીસી વિસ્તારમાં દેસાઈ પેટ્રોલપંપ પાસે આવેલા મહાવીર કોમ્પ્લેક્સમાં મેટ્રો કુરિયરની ઓફિસમાં પાર્સલોની આડમાં ઈંગ્લિશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી.
ટ્રિપલ બોક્સમાં પેક કરેલા પાર્સલ બોક્સમાંથી દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. એલસીબી એ મૂળ રાજસ્થાનના અને હાલ જૂની કોલોનીમાં રહેતા ઓફિસના સંચાલક પારસગીરી લહેરગીરી ગોસ્વામી તેમજ દારૂનો જથ્થો લાવનાર મહેન્દ્રપુરી રૂપપૂરી ગોસ્વામીને ઝડપી પાડ્યા હતા.
પોલીસના દરોડાને જાેઈ સ્થળ પરથી સુરેશપુરી રાજપુરી ગોસ્વામી ફરાર થયો હતો.દારૂ મંગાવનાર જૂની કોલોનીમાં રહેતો ઉમેશ મહેશભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરાયો હતો.
ભરૂચ એલસીબીએ રૂપિયા ૧.૬૪ લાખનો દારૂ, એક સ્વીફ્ટ કાર અને એક્ટિવા મોપેડ મળી કુલ રૂપિયા ૪.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.