જૂની પેન્શન યોજના શરૂ કરવા જંબુસર પંથકના શિક્ષકોએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો
ભરૂચ, ગુજરાત સરકારે શિક્ષકોની ૧ એપ્રિલ ૨૦૦૫ થી જૂની પેન્શન યોજના બંધ કરી ૨૦૦૫ પછી ભરતી થયેલા શિક્ષકોને માટે નવી પેન્શન યોજના ચાલુ કરી છે.જેને લઈ ગુજરાતભરના શિક્ષકો આંદોલન છેડ્યું અને આજરોજ જંબુસર તાલુકાના તમામ શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોની જૂની પેન્શન યોજના ચાલુ કરાવવા અંગે આંદોલન શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે.
જેમાં ક્રમશ અનેક કાર્યક્રમો માગણીઓને લઈ આપવામાં આવનાર હોય જેના ભાગરૂપે આજરોજ ગુજરાતના તમામ પ્રાથમિક શિક્ષકો શૈક્ષણિક કાર્ય શરુ કરતા પહેલા શાળા પરિસરમાં એકત્ર થઈ બે મિનિટ મૌન પાળી બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવા જણાવ્યું હતું.
જે અંતર્ગત જંબુસર પંથકની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોએ આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સુચના અન્વયે જૂની પેન્શન યોજના અમલીકરણ માટે ની ઝુંબેશને સફળ બનાવવા વિરોધ નોંધાવ્યો હતો અને આજના દિવસને કાળા દિવસ તરીકે મનાવ્યો હતો.
શિક્ષકો ૫૮ વર્ષ સુધી નોકરી કરવા છતાંય પેન્શનનો લાભ ન મળવાથી કર્મચારીનું જીવન નિવૃત્ત થયા પછી નિરાધાર બની જાય છે કોઈ આશરો રહેતો નથી પંજાબ,રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે છે.જ્યારે દેશનું મોડલ ગણાતા ગુજરાત રાજ્યના કર્મચારીઓ યોજનાથી વંચિત છે.જેથી રાજ્યના તમામ શિક્ષક કર્મચારીગણે આજના દિવસને કાળો દિવસ તરીકે મનાવી કાળીપટ્ટી ધારણ કરી સરકાર જેવી નવી પેન્શન યોજનાનો વિરોધ કરી જૂની પેન્શન યોજના આપવાની માંગ ઉઠાવી હતી.