ભ્રામક જાહેરાતો પર કેન્દ્ર આકરા પાણીએ: ૩ કંપનીઓને દંડ
નવીદિલ્હી, ભ્રામક જાહેરાતો પર સરકારે કડક વલણ અપનાવતા અનેક કંપનીઓ વિરૂદ્ઘ દંડાત્મક કાર્યવાહી કરી છે. સરકારના કડક વલણને જાેતા એક ૧૩ કંપનીઓએ પોતાની જાહેરાતો પરત લઇ લીધી છે. કેટલીક કંપનીઓ તાત્કાલિક અસરથી પોતાની જાહેરાતોમાં સુધારો કરી લીધો છે જ્યારે ગ્રાહક બાબતોના મંત્રાલયે ગ્રાહકોને ભ્રમિત કરનારી જાહેરાતો માટે દોષી ઠરેલ ત્રણ કંપનીઓને દંડ ફટકાર્યો છે.
ગ્રાહકોને ઠગનાર આ પ્રકારની ગતિવિધિઓ પર અંકુશ લગાવવા માટે કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણ (સીસીપીએ)ની રચના કરી છે. ચહેરો સુંદર બનાવવા, દાંત ચમકાવવા, કાળાને ગોરો બનાવવો,કોઇ વૈજ્ઞાનિક આધાર વિના કારોના વાયરસને ભગાડવા જેવી ભ્રામક જાહેરાતોનો રીતસરનો ઘોડાપૂર આવ્યો છે. આવી જાહેરાતો ટીવી ચેનલોની સાથે સાથે અખબાર-મેગેઝિનો અને સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
સીસીપીએએ પ્રાપ્ત આવી ફરિયાદોની ઉચ્ચ સ્તરના અધિકારીઓ પાસે તપાસ કરાવી. સંબંધિક વિભાગો દ્વારા કરાવવામાં આવેલા કામચલાઉ તપાસ રિપોર્ટમાં જાહેરાતોમાં કંપનીઓએ કરેલા દાવા પોકળ પુરવાર થયા. પ્રાધિકરણના રડાર પર અનેક કંપનીઓ છે જેમના પર ટૂંક સમયમાં જ તવાઇ આવી શકે છે.
ત્યારબાદ જ સંબંધિત બે ડઝનથી વધુ કંપનીઓને નોટિસ મોકલવામાં આવી જેને ધ્યાનમાં રાખતા તત્કાળ ૧૩ કંપનીઓએ પોતાની જાહેરાતોને હટાવી લીધી. પરંતુ ત્રણ કંપનીઓની પ્રોડક્ટ્સના દાવા અને તેમના ઉત્પાદનના તપાસ રિપોર્ટમાં કોઇ તાલમેલ ન દેખાતા તેમને દંડ ફટકારવામાં આવ્યો છે.HS