૧ર પાસ યુવક નકલી તબીબ બની દવા-ઈન્જેકશન આપતો !
બાપુનગર પોલીેસે રેડ કરી તબીબને ઝડપ્યો, ૪૬ જાતના ઈન્જેકશન-દવા જપ્ત
(એજન્સી)અમદાવાદ, બાપુનગર વિસ્તારમાં ઘણા સમયથી દવાખાનું ખોલી લોકોને દવા-ઈન્જેકશન આપનાર ૧ર પાસ યુવકને પોલીસે ઝડપી લીધો છે. નકલી તબીબ પાસેથી ૪૬ જાતના ઈન્જેકશન અને દવાનો મોટા પ્રમાણમાં જથ્થો પણ મળી આવ્યો છે. આ મામલે પોલીસે આઈપીસી અને ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
બાપુનગર પોલીસ મથકમાં ડી સ્ટાફ પીએસઆઈ એસ.બી. કુંપાવતને બાતમી મળી હતી કે, આઝાદ ચેક પોસ્ટ પાસેની દુકાનમાં વિજયભાઈ ઘુરહુભાઈ વિશ્વકર્મા કોઈ પણ જાતની લાયકાત કે તબીબી ડીગ્રી વગર મેડીકલપ્રેકટીસ દવાઓ આપે છે.
તેથી આ મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ ત્યાં જઈ તપાસ કરતા મેડીકલની દવાઓ ઈન્જેકશન સહિતની વસ્તુ મળી આવી હતી. જેથી ત્યાં દવા આપનાર નકલી તબીબ વિજયભાઈની પુછપરછ કરતા તે મુળ ઉત્તર પ્રદેશનો છે અને ૧ર પાસનો અભ્યાસ કરેલો છે અને હાલ નરોડા રહે છે. પોલીસે તેની પાસે ડીગ્રી માંગતા તેની કોઈ પણ ડીગ્રી માંગતા તેની પાસે કોઈ પણ ડીગ્રી મળી આવી ન હતી.
પોલીસે તેની પાસેથી ૪૬ જાતની દવા અને ઈન્જેકશન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે આઈપીસીની કલમ ૩૩૬ અને ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટની કલમ ૩૦ મુજબ ફરીયાદ નોધી ધરપકડ કરી છે. પોલીસને પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું હતું કે, વિજય છેલ્લા ઘણા સમયથી સ્થાનીક વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોને ઈન્જેકશન અને દવા આપી બાટલા પણ ચઢાવતો હતો.