છેલ્લા ૧૦ વર્ષમાં પાકિસ્તાનનું દેવું ૬ હજાર ટ્રિલિયનથી વધીને ૩૦ ટ્રિલિયન થઈ ગયું છે
ઇસ્લામાબાદ, પાકિસ્તાનનાં એક દૂતાવાસનાં કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ન આપવાનો મામલો સામે આવ્યો હતો, જેણે ફરી એકવાર પાકિસ્તાનમાં આર્થિક સંકટની સ્થિતિને ઉજાગર કરી હતી. સર્બિયામાં પાકિસ્તાન દૂતાવાસનાં સત્તાવાર ટિ્વટર હેન્ડલ પરથી વડાપ્રધાન ઈમરાન ખાનને ટેગ કરીને આ ટ્વીટ કરવામાં આવ્યું છે.
જેમાં ત્રણ માસથી પગાર ન મળવાના કારણે કર્મચારીઓનાં બાળકોને શાળામાંથી કાઢી મુકવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. જાેકે, બાદમાં પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, દૂતાવાસનું ટિ્વટર હેન્ડલ હેક કરવામાં આવ્યું છે. જાે કે, દક્ષિણ એશિયાનાં દેશોની સ્થિતિનું વર્ણન કરતા આંકડા દર્શાવે છે કે પાકિસ્તાનનો મોંઘવારીનો દર આ સમગ્ર ક્ષેત્રમાં સૌથી વધુ છે.
એશિયન ડેવલપમેન્ટ આઉટલુકનાં ડેટા અનુસાર, આ વર્ષે પાકિસ્તાનમાં મોઘવારીનો દર ૮.૯ ટકા છે, જે આ ક્ષેત્રનાં આઠ દેશોમાં સૌથી વધુ છે.
આ ક્ષેત્રમાં ભારત (૫.૫%), બાંગ્લાદેશ (૫.૬%), ભૂટાન (૮.૨%), અફઘાનિસ્તાન (૫%), માલદીવ (૨.૫%), નેપાળ (૩.૬%) અને શ્રીલંકામાં મોંઘવારીનો દર ૫.૧% છે. આ રિપોર્ટ દર્શાવે છે કે આવતા વર્ષે(૨૦૨૨) પાકિસ્તાનનો મોંઘવારી દર ઘટશે, પરંતુ તે સ્થિતિમાં પણ તે સમગ્ર દક્ષિણ એશિયા ક્ષેત્રમાં સૌથી વધુ મોંઘવારીવાળો દેશ રહેશે.
૨૦૨૨માં પાકિસ્તાનનો મોંઘવારી દર ૭.૫ ટકા રહેવાનો અંદાજ છે, અન્ય દેશોનો મોંઘવારી દર તેના કરતા ઓછો હશે. પાકિસ્તાન મોંઘવારી દરમાં વધારો, વિદેશી મુદ્રા ભંડાર ઘટવા, ચાલુ ખાતાની ખાધ પર વધતું દબાણ અને પાકિસ્તાની ચલણ ‘રૂપિયા’ની બગડતી સ્થિતિથી ઝઝૂમી રહ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પાકિસ્તાનમાં તેલની કિંમતોમાં અભૂતપૂર્વ વધારો થયો હતો.
૨૪ નવેમ્બરે વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, તેમની પાસે દેશ ચલાવવા માટે પૈસા નથી અને દેવું વધી રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં પાકિસ્તાનનું દેવું ૬ હજાર ટ્રિલિયન રૂપિયાથી વધીને ૩૦ હજાર ટ્રિલિયન રૂપિયા થઈ ગયું છે. ગયા મહિને પાકિસ્તાનનાં મોંઘવારી દરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો, નવેમ્બરમાં મોંઘવારી દર ૧૧.૫% પર પહોંચી ગયો હતો, જે ઓક્ટોબરમાં ૯.૨ ટકા હતો.
પાકિસ્તાનમાં એક ડોલરની કિંમત ૧૭૬.૬૬ રૂપિયા થઈ ગઈ છે જ્યારે ભારતીય ચલણમાં તેની કિંમત ૭૫.૪૨ રૂપિયા છે. પાકિસ્તાન સ્ટેટિસ્ટિક્સ બ્યુરોના તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં પાકિસ્તાની રૂપિયામાં ૧૧ ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા ૨૦ મહિનામાં મોંઘવારી દર સૌથી વધુ ૧૧.૫ ટકા પર પહોંચી ગયો છે.
સરકારી આંકડા મુજબ દેશમાં એલપીજી ગેસ ૨૧૭ રૂપિયા પ્રતિ કિલો છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ૨,૫૬૦ રૂપિયા છે જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૯,૮૪૭ રૂપિયા પ્રતિ કિલો છે. પેટ્રોલ (૧૪૫.૮૨ પ્રતિ લીટર) અને ડીઝલ (રૂ. ૧૪૨.૬૨ પ્રતિ લીટર)ની પણ આ જ સ્થિતિ છે. રોજિંદી ખાદ્યપદાર્થની આવશ્યક જરૂરિયાત એવા દૂધ અને ખાંડનાં ભાવ પણ અહીં ખૂબ ઊંચા છે.
ગત સપ્ટેમ્બરમાં મહોરમ દરમિયાન કરાચીમાં દૂધ ૧૪૦ રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાતું હતું, જ્યારે પેટ્રોલની કિંમત તે સમયે ૧૧૩ રૂપિયા પ્રતિ લીટર હતી. એક ૨૭ વર્ષીય વ્યક્તિએ નવેમ્બરમાં કરાચીમાં પોતાને આગ લગાવી દીધી હતી, કારણ કે તેના પરિવારે આક્ષેપ કર્યો હતો કે તે મોંઘવારીને કારણે ભાડું અને ઘરનાં ખર્ચાઓને પહોંચી વળવા અસમર્થ હોવાને કારણે હતાશ હતો.
તાજેતરમાં વિપક્ષી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ તરફથી કહેવામાં આવ્યું હતું કે મોંઘવારીનાં રેકોર્ડ સ્તરને કારણે ગરીબ લોકોએ આત્મહત્યાનો માર્ગ અપનાવવો પડે છે. એક કરોડ નોકરીઓ આપવાના ચૂંટણી વચન સાથે સત્તામાં આવેલા ઈમરાન ખાન માટે મોંઘવારી મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હોવાથી તેમની મુશ્કેલી વધી રહી છે.HS