જ્યારે પ્રતિબંધો હટાવાશે ત્યારે જ અવકાશમાં સહયોગ શક્ય બનશે: રશિયાની ધમકી
મોસ્કો, રશિયાએ આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન (ISS-International Space Station) સાથેનો પોતાનો સહયોગ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. રશિયાની અંતરીક્ષ એજન્સી રોસકોસમોસ (Roscosmos)ના પ્રમુખ દિમિત્રી રોગોજિને આ અંગેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમનો દેશ હવે અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસા (National Aeronautics and Space Administration) અને યુરોપીય અંતરીક્ષ એજન્સી (European Space Agency) સાથે કામ નહીં કરે.
દિમિત્રી રોગોજિનના કહેવા પ્રમાણે હવે જ્યારે મોસ્કો સામેના પશ્ચિમી પ્રતિબંધો હટાવી લેવામાં આવશે ત્યારે જ ISS અને અન્ય સંયુક્ત અંતરીક્ષ પ્રોજેક્ટ્સ શક્ય બનશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, આ પ્રકારના પ્રતિબંધોનો મુખ્ય ઉદ્દેશ્ય અમારા અર્થતંત્રની કમર તોડી નાખીને લોકોને નિરાશા અને ભૂખમરામાં ધકેલવાનો અને અમારા દેશને ઘૂંટણીયે પાડી દેવાનો છે. તેઓ તેમાં સફળ ન થયા પરંતુ તે ઉદ્દેશ્ય સ્પષ્ટ છે.
દિમિત્રીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન અને અન્ય પ્રોજેક્ટ્સનું પુનઃસ્થાપન હવે ત્યારે જ શક્ય બનશે જ્યારે આ પ્રકારના ગેરકાયદેસર પ્રતિબંધોને સંપૂર્ણપણે અને કાયમી રીતે હટાવી લેવામાં આવે.