કોરોનાનો ચીનમાં હાહાકાર, આર્થિક રાજધાની શાંઘાઈમાં સંપૂર્ણ લોકડાઉન
નવી દિલ્હી,ચીનમાં કોરોનાના કારણે સ્થિતિ દિવસને દિવસે બેકાબૂ થઈ રહી છે.ચીનમાં કોરાનાએ એવી ગંભીર હાલત સર્જી છે કે, દેશની આર્થિક રાજધાની શાંઘાઈમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે.
શહેરની આર્થિક ગતિવિધિઓ હવે ઠપ થઈ ગઈ છે. વિદેશોમાં નિકાસ થતી પ્રોડક્ટસ પર રોક લગાવી દેવાઈ છે. શહેરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે તંત્ર મરણિયા પ્રયાસો કરી રહ્યુ છે .
એવુ મનાઈ રહ્યુ છે કે, શાંઘાઈમાં સ્થિતિ એ હદે ભયાનક બની છે કે, લોકોને દાખલ કરવા માટે હોસ્પિટલમાં જગ્યા નથી.બીજી તરફ ચીનનો દાવો છે કે, હજી સુધી સંક્રમણના કારણે કોઈનુ મોત થયુ નથી.
એક મીડિયા રિપોર્ટમાં પૂર્વ શાંઘાઈની હોસ્પિટલના કર્મચારીઓને ટાંકીને કહેવાયુ છે કે, હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો દર્દીઓની સારવાર કરવા ઝઝૂમી રહ્યા છે. ઘણા લોકોના મોત થયા છે.
શાંઘાઈના તંત્રે ડોંગહાઈ એલ્ડરલી કેર હોસ્પિટલને સામાન્ય દર્દીઓ માટે બંધ કરી દીધી છે. અહીંના એક કર્મચારીનુ કહેવુ છે કે, કોરોનાના દર્દીને મરતા મેં જોયો છે.
ઉલ્લેકનીય છે કે, આ હોસ્પિટલમાં ત્રણ સપ્તાહ પહેલા કોરોનાની નવેસરથી શરુ થયેલી લહેરના પહેલા કેસનુ નિદાન થયુ હતુ.
હોસ્પિટલોમાં કચરાના ઢગલા અને અવ્યવસ્થા જોવા મળી રહી છે. લોકો હોસ્પિટલમાં દાખલ પોતાના સ્વજનોને મળવામાં મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો પણ કરી રહ્યા છે.