ચર્નોબિલના ન્યુક્લીયર પ્લાન્ટમાં રશિયન સૈનિકોની લૂંટફાટ
નવી દિલ્હી, યુક્રેનના ચર્નોબિલ શહેરમાંથી રશિયન સેના પાછી હટી છે. અહીંયા યુક્રેનનો ન્યુક્લીયર પાવર પ્લાન્ટ આવેલો છે.
જોકે યુક્રેને હવે દાવો કર્યો છે કે, રશિયન સૈનિકો જતા જતા પણ પાવર પ્લાન્ટમાં લૂંટ ચલાવતા ગયા છે. રશિયન સૈનિકોએ પ્લાન્ટમાં લૂંટફાટ મચાવી હતી. કર્મચારીઓ તે સમયે વિવિધ જગ્યાએ ફરજ બજાવી રહ્યા હતા. તેમને પોતાની ઓફિસોની બહાર નિકળવા માટે રશિયન સૈનિકોએ મનાઈ ફરમાવી હતી.
સૈનિકો પાવર પ્લાન્ટમાંથી રવાના થયા બાદ કર્મચારીઓએ ચારે તરફ તપાસ કરી ત્યારે ખબર પડી હતી કે, રશિયન સૈનિકો કોમ્પ્યુટર, ચા બનાવવાની કિટલી, કોફી મશિન અને ભોજન બનાવવા માટેના વાસણો પણ લૂંટી ગયા હતા. જતા જતા તેમણે પાવર પ્લાન્ટ પાસેની એક હોટલમાં પણ લૂંટ ચલાવી હતી.
મીડિયા રિપોર્ટમાં યુક્રેનના હવાલાથી કહેવાયુ છે કે, પાવર પ્લાન્ટને કોઈ નુકસાન પહોંચાડવામાં આવ્યુ હોવાનુ પ્રાથમિક તબક્કે બહાર આવ્યુ નથી.
ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેનો જંગ 38માં દિવસમાં પ્રવેશ્યો છે અને બંને પક્ષો વચ્ચે શાંતિ સ્થાપવા માટેના પ્રયત્નો હજી સુધી સફળ થયા નથી.