Western Times News

Gujarati News

AMTS રીવર્સ ગીયરમાં, ૭૫ વર્ષ બાદ પેસેન્જરો ઘટ્યા

પ્રતિકાત્મક

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ૧લી એપ્રિલ ૧૯૪૭ ના દિવસે જાહેર પરિવહન સેવા શરૂ થઈ હતી જે અમદાવાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસના નામથી ઓળખાય છે તથા નાગરીકોમાં “લાલ બસ” નામથી જાણીતી છે. મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસમાં દેવાનો ડુંગર વધી રહ્યો છે.

તથા છેલ્લા એક દાયકાથી નાગરીકો માટે નહિ પરંતુ કોન્ટ્રાકટરો માટે જ સંસ્થા ચાલી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. જેનુ મુખ્ય કારણ આવક અને પેસેન્જરમાં સતત થઈ રહેલાં ઘટાડો છે.

ચોકાવનારી બાબત એ છે કે સ્થાપનાના ૭૫ વર્ષ બાદ પણ એએમટીએસના પેસેન્જરની સંખ્યામાં કોઈ જ નોંધપાત્ર વધારો થયો નથી. ૧૯૪૭-૪૮ ના વર્ષમાં જેટલા પેસેન્જર “લાલ બસ”ને મળ્યા હતા તેના કરતા પણ ઓછા પેસેન્જર ૨૦૨૦-૨૧માં કોન્ટ્રાકટરોની બસોને મળ્યા છે.

અમદાવાદ મ્યુનિ ટ્રાન્સપોર્ટ સર્વિસ “રીવર્સ ગીયર”માં જઈ રહી છે. એએમટીએસની સ્થાપનાને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળા દરમ્યાન શહેર, રાજ્ય દેશ અને વિશ્વમાં અનેક સંકટો આવી ગયા છે. તેમ છતાં “લાલ બસ”અડીખમ રહી હતી. પરંતુ છેલ્લા એક દાયકામાં કોન્ટ્રાકટરો આવ્યા બાદ “લાલ બસ”ની ગરિમાને ઝાંખપ લાગી છે. તથા સેવા કથળી રહી છે.

લાલબસની આવક અને પેસેન્જરની સંખ્યા આ બાબાત વારંવાર પુરવાર કરી રહ્યા છે. ૧૯૪૭-૪૮ના વર્ષમાં એએમટીએસની સ્થાપના થઈ તે વર્ષે કુલ ૩૮ રૂટ હતા

તથા વર્ષ દરમ્યાન ૩ કરોડ ૯૭ લાખ પેસેન્જરોએ લાલબસમાં મુસાફરી કરી હતી. જ્યારે ૨૦૨૦-૨૧માં ખાનગી બસોના ૧૨૭ રૂટ હતા. પરંતુ પેસેન્જરની સંખ્યા માત્ર ૩ કરોડ ૭૫ લાખ હતી.

આમ, ૭૫ વર્ષ બાદ રૂટ અને બસની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ પેસેન્જર ઘટ્યા છે. જેના માટે કોરોના અને લોકડાઉનના કારણો આપવામાં આવી રહ્યા છે.

પરંતુ ૧૯૪૭ બાદ ૧૯૫૬-૫૭ માં મહાગુજરાત ચળવળ, ૧૯૭૨માં પાકિસ્તાન સાથે યુદ્ધ, ૧૯૮૦-૮૧, ૮૪-૮૫ તથા ૮૬-૮૭ માં વિવિધ પ્રકારના તોફાનો તથા ૧૯૭૩ માં નવનિર્માણ આંદોલન દરમ્યાન પણ લાલબસની સેવાઓ ખોરવાઈ હતી તથા બંધ રાખવાની ફરજ પડી હતી. તેમ છતાં પેસેન્જરની સંખ્યામાં ઘટાડો થયો નહતો.

૧૯૪૭-૪૮ ના સ્થાપના વર્ષ દરમ્યાન એએમટીએસના દૈનિક ૧૯૯૦૨૪ પેસેન્જરોની અવરૂવર રહેતી હતી. જ્યારે ૨૦૨૦-૨૧માં ખાનગી ઓપરેટરોની બસોમાં દૈનિક ૧૦૨૮૭૪ પેસેન્જરોની અવર જવર રહી હતી. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઓક્ટોબર ૨૦૦૯ થી બીઆરટીએસ સેવા શરૂ કરવામાં આવી હતી.

તે વર્ષ દરમ્યાન અંદાજે ત્રીસ કરોડ પેસેન્જરોએ એએમટીએસમાં મુસાફરી કરી હતી. જનમાર્ગના કારણે ૨૦૧૨-૧૩ બાદ એએમટીએસ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો હતો તથા વાર્ષિક પેસેન્જરોની સંખ્યા ૧૮ થી ૨૦ કરોડ થઈ હતી. તેન લાભ જનમાર્ગને મળ્યો છે. અન્યથા પેસેન્જરોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. એએમટીએસમાં ૭૫ વર્ષ બાદ પણ પેસેન્જરની સંખ્યા ઘટી છે તે બાબત શાસકો માટે ચેતવણીરૂપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.