હૈદરાબાદમાં રેવ પાર્ટી પર પોલીસના દરોડા, અભિનેત્રી સહિત ૧૪૨ લોકોની અટકાયત

હૈદરાબાદ, હૈદરાબાદમાં એક રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે અને લગભગ ૧૪૨ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમાં ઘણા વીઆઇપી અને અભિનેતાઓ, રાજકારણીઓના બાળકો પણ સામેલ છે. હૈદરાબાદ પોલીસ ટાસ્ક ફોર્સની ટીમે બંજારા હિલ્સ વિસ્તારની એક ફાઈવ સ્ટાર હોટલના પબમાં નશામાં ધૂત પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો અને દરોડા પાડ્યા હતા.
અહેવાલો અનુસાર, પોલીસે અહીંથી કોકેઈન અને વીડ જેવા પ્રતિબંધિત માદક દ્રવ્યો જપ્ત કર્યા છે. મેગાસ્ટાર ચિરંજીવીની ભત્રીજી અને અભિનેતા નાગા બાબુની પુત્રી નિહારિકા કોનિડેલાની પણ અહીંથી અટકાયત કરવામાં આવી છે.
જાે કે નાગાબાબુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે તેમના પુત્રને ડ્રગ્સ સાથે કોઈ લેવાદેવા નથી. અગાઉ પોલીસ આ અંગે માહિતી આપી રહી ન હતી, પરંતુ એક વીડિયો વાયરલ થયા બાદ નિહારિકાને પણ અટકાયત અંગે જણાવવું પડ્યું હતું.
બિગ બોસ તેલુગુ રિયાલિટી શોની ત્રીજી સિઝનના વિજેતા સિંગર રાહુલ સિપલીગંજ પણ અટકાયતમાં સામેલ છે. ખાસ વાત એ છે કે ૧૨ ફેબ્રુઆરીએ હૈદરાબાદ પોલીસ દ્વારા લૉન્ચ કરવામાં આવેલ ડ્રગ એડિક્શન વિરુદ્ધ ગીત રાહુલ સિપલીગંજ દ્વારા ગાયું હતું.
આ લોકોમાં આંધ્રપ્રદેશના એક વરિષ્ઠ પોલીસ અધિકારીની પુત્રી પણ હતી. આ સિવાય તેલુગુ દેશમ પાર્ટીના સાંસદનો પુત્ર પણ રેવ પાર્ટીમાં પહોંચ્યો હતો. તેલંગાણા કોંગ્રેસના નેતા અંજન કુમાર યાદવે કહ્યું કે તેમનો પુત્ર જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા માટે પબમાં ગયો હતો. તેમણે કહ્યું કે તેમના પુત્રને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે શહેરના તમામ પબ બંધ કરી દેવા જાેઈએ.
આ બેદરકારી બદલ બંજારા હિલ્સના એસએચઓ શિવ ચંદ્રાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ ટાસ્ક ફોર્સના કે નાગેશ્વર રાવને નિયુક્ત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે થોડા દિવસોથી પોલીસે ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન તેજ કર્યું છે. તાજેતરમાં જ એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટનું ડ્રગ ઓવરડોઝને કારણે મોત થયું હતું.HS