સરભાણ ખાતે સીડ પ્રોડક્શન અને પ્રોસેસીંગ કમ સ્ટોરેજ ગોડાઉનનું લોકાર્પણ
પ્રતિનિધી)ભરૂચ, આમોદ તાલુકાની શ્રેષ્ઠ સહકારી સંસ્થા ધી સરભાણ કો-ઓ.મ.પ.એગ્રી ક્રેડીટ સોસાયટી લી. ધ્વારા નિર્માણ પામેલ ભારત સરકાર તથા ગુજરાત સરકારની સહાયથી SMPS યોજના અન્વયે સીડ પ્રોડક્શન અને પ્રોસેસીંગ કમ સ્ટોરેજ ગોડાઉન યુનીટનું લોકાર્પણ
સરભાણ સહકારી જીન ખાતે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગના મંત્રી રાઘવજી પટેલના વરદહસ્તે તેમજ જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, પૂર્વમંત્રી છત્રસિંહ મોરી, નાહિયેર ગુરૂકુળના પૂ.ડી.કે.સ્વામી, ઉદ્યોગપતિ ડૉ.દુષ્યંતભાઈ પટેલ, ધી સરભાણ કો-ઓ.મ.પ.એગ્રી ક્રેડીટ સોસાયટી લી.ના ચેરમેન ભરતભાઈ ડી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.
સમારંભના અધ્યક્ષ સ્થાનેથી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આઝાદી પહેલાં સ્થપાયેલી આ મંડળી રાજ્યની સૌથી જુની મંડળી હોવાનું જણાવી મંડળીના ડીરેક્ટરો તથા સભાસદોને શુભેચ્છા પાઠવી હતી.તેમણે આ વિસ્તારની વિજળીની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરાશે.ખરીફ ઋતુમાં ખાતરની તકલીફ ન પડે તેવું આયોજન હાથ ધરાશે.
ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવી કૃષિ મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવતા વડાપ્રધાનશ્રીના સ્વપ્ન અનુસાર ઝેરમુક્ત ખેતી થાય તે દિશામાં સૌને સહિયારા પ્રયાસો કરવાની હિમાયત કરી હતી.
તેમણે રાજ્ય સરકાર ધ્વારા અમલી ખેતીલક્ષી વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી જેનો મહત્તમ લાભ લેવાની ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો. મંત્રીએ ખુબ જ સહજ શૈલીમાં જગતનો તાત સમૃધ્ધ બને અને કૃષિ ક્ષેત્રે વિકાસના સીમાડાઓ વ્યક્ત કરે તેવી મંગલ કામના વ્યક્ત કરી હતી.આ વેળાએ નાહિયેર ગુરૂકુળના પૂ. ડી.કે.સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી ઉપસ્થિત ખેડૂતોને શુભકામનાઓ પાઠવી હતી.