સાવલીમાં આયોજિત સમુહલગ્નમાં ૬૦૨ નવદંપતિઓને આશીર્વચન આપતા મુખ્યમંત્રી
જ્ઞાતિબાધ વિના થતાં સમુહલગ્ન સામાજિક સમરસતાના ઉદ્દીપક છે: ભૂપેન્દ્રભાઇ પટેલ
(માહિતી) વડોદરા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, કોઇ એકનો પ્રસંગ જ્યારે સમગ્ર સમાજ મનાવે ત્યારે એ અવસર બની જાય છે અને આવા પ્રસંગ સામાજિક દાયિત્વનું પ્રતીક બની જાય છે. ખાસ કરીને કોઇ જ્ઞાતિબાધ વિના થતાં સમુહલગ્ન સમારોહ સામાજિક સમરસતાના ઉદ્દીપક છે. તેનાથી સમાજ એક થશે, સામાજિક એકતાથી ગુજરાત એક બનશે.
સાવલી ખાતે ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઇનામદાર પ્રેરિત શ્રી મહેન્દ્રભાઇ જશભાઇ ટ્રસ્ટ દ્વારા આયોજિત સાતમાં સમુહલગ્ન સમારોહમાં નવપરિણીત યુગલોને આશીર્વચન આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધુમાં ઉમેર્યું કે, સામાન્ય રીતે કોઇ વ્યક્તિ રીતે થતાં લગ્નમાં એક જ સમાજના બે કુટુમ્બો મળે છે. પણ, સમુહલગ્નમાં સૌ કોઇ મળી લગ્નપ્રસંગને મનાવે છે.
ઉક્ત સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, જ્ઞાતિબાધ વીના થતાં સમુહ લગ્નોમાં વિવિધ સમાજ અને જ્ઞાતિના પરિવારો એક મંડપ નીચે એકઠા થાય છે. આ બાબત જ સામાજિક સમરતાનું પ્રતીક બને છે. ગુજરાતમાં તમામ સમાજ એક થશે તો જ રાજ્ય એક બનશે. એકતા અને સામાજિક સૌહાર્દસભર ગુજરાતથી જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનુ સાકાર થશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નાના કાર્યો થકી જ કાર્યકર મોટો થતો હોય છે. આવા કાર્યો થકી જ વ્યક્તિ પોતાની સામાજિક દાયિત્વ નીભાવી શકે છે. અહીં આ ટ્રસ્ટ દ્વારા જે કાર્ય થયું છે, તેનાથી અનેક પરિવારોની લગ્નના આયોજન બાબતની મુંજવણોનું સામાધાન થયું છે. સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં ગુજરાત સરકાર હંમેશા મદદ કરશે, તેવો કોઇ તેમણે અંતે આપ્યો હતો. લગ્નની ચોરીમાં જઇ મુખ્યમંત્રીશ્રીએ નવદંપતિઓને આશીર્વચન આપી દામ્પત્યજીવનની શુભકામનાઓ પાઠવી હતી.
સાંસદ શ્રી સી. આર. પાટીલે જણાવ્યું કે, પરિવાર દ્વારા એક હાથે લગ્ન જેવા શુભપ્રસંગોનું આયોજન કરવું એ મુશ્કેલભર્યું કાર્ય હોય છે. પણ, આવા સમુહલગ્નોથી અનેક પરિવારોની આવી સમસ્યાનું સરળ સમાધાન થઇ જાય છે. ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઇનામદારે અત્યાર સુધીમાં અનેક પરિવારોની દીકરીઓના લગ્ન કરાવી પુણ્યકર્મ કર્યું છે. સારા કાર્યકર્તાઓ પોતાનો શુભપ્રસંગ સમાજની સાથે રહીને મનાવી પોતાની સૌની સાથે પોતાની ખુશી વહેંચે છે
ધારાસભ્યશ્રી કેતનભાઇ ઇનામદારે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, તેમના પિતા શ્રી મહેન્દ્રભાઇ જશભાઇ ઇનામદારના જન્મદિને સમુહલગ્નું આયોજન કરવામાં આવે છે. તેની આ સાતમી શ્રેણી છે.
જેમાં સહભાગી થનારા ૬૦૨ યુગલોને કરિયાવર આપવામાં આવે છે. સાવલીની આ પવિત્રભૂમિ ઉપર અત્યારસુધીમાં ૨૫૩૬ યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ટ્રસ્ટ દ્વારા અનુદાનિત સુકન્યા સમૃદ્ધિ યોજનાની એક હજાર બાળકીઓ પૈકી ૧૦ બાળકીઓને પાસબૂકનું વિતરણ કરવામાં આવ્યું છે. શ્રી ઇનામદારને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ, લંડન તરફથી મળેલું સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ પણ એનાયત કરવામાં આવ્યું હતું.
આ વેળાએ મંત્રી મંડળના સદસ્ય શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રીમતી મનિષાબેન વકીલ, શ્રીમતી નિમિષાબેન સુથાર, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાવડિયા, મેયર શ્રી કેયુરભાઇ રોકડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઇ પટેલ, અગ્રણીશ્રી વિજયભાઇ શાહ, શ્રી અશ્વિનભાઇ પટેલ, શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, શ્રી ભરતભાઇ ડાંગર સહિત ઇનામદાર પરિવાર, સાજનમાજન ઉપસ્થિત રહ્યા હતા.