ચૌધરી હોસ્પિટલમાં મહિલાનું મોત: ડોક્ટરોની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ
અમદાવાદ, અમદાવાદ શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં નરોડા રોડ પર આવેલી ચૌધરી હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.
આ મામલે પરિવારજનોએ હોસ્પિટલ બહાર હોબાળો કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે પોલીસ પણ હાલમાં હોસ્પિટલ પહોંચી હતી, પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરોએ રાત્રે બ્લડ ચઢાવવું પડશે એવું કહ્યું હતું અને આજે વહેલી સવારે તેમનું મોત થયું છે. હોસ્પિટલમાં ડોક્ટર પાસે રિપોર્ટ માંગતા તેમના દ્વારા અમને કોઈ રિપોર્ટ આપવામાં આવ્યા નથી. તેઓ પોલીસને રિપોર્ટ આપશે એવો જવાબ આપે છે. જેથી અમે હાલ પોલીસને જાણ કરતાં પોલીસ પહોંચી છે.
આ મામલે ચૌધરી હોસ્પિટલના ડોકટરનો સંપર્ક કર્યો હતો. હોસ્પિટલના લેન્ડલાઇન પર ફોન કરી અને ડોક્ટર સાથે વાતચીત કરવા અંગે જણાવ્યું ત્યારે તેઓએ ડોક્ટર સાહેબ સાથે વાતચીત નહીં થઈ શકે તેમ કહી અને ફોન મૂકી દીધો હતો.
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ભાર્ગવ રોડ પર આવેલી સંત કોલોનીમાં રહેતા શ્યામવીર દિવાકરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા ભાભી મંજુદેવી (આશરે ઉ.વ.45)ની તબિયત ખરાબ થતાં અમે તેઓને સારવાર માટે નરોડા રોડ પર આવેલી ચૌધરી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
રાત્રે હોસ્પિટલમાં તેઓને ડોક્ટરે બ્લડ ચઢાવવાનું કહ્યું હતું અને અન્ય ડોક્ટરે ઇન્જેકશન લગાવવા માટે કહ્યું હતું. અમે લોહીનો રિપોર્ટ માંગ્યો તો અમને રિપોર્ટ આપ્યો નહીં અને જેમતેમ કરીને કોઈ સારવાર કરી હતી અને આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું છે. તેઓની પાસે અમે બધા રિપોર્ટ માગી રહ્યા છીએ, પરંતુ રિપોર્ટ આપી રહ્યા નથી.
વધુમાં તેઓ આક્ષેપ કર્યો હતો કે તેઓએ ખોટી સારવાર કરતા મારા ભાભીનું મૃત્યુ થયુ છે અને તેઓની પાસે અમે તેમને જે પણ દવા કરી તેની માહિતી અને રિપોર્ટ માંગીએ છીએ તો આપી રહ્યા નથી. જેથી અમે પોલીસને જાણ કરી છે.
પોલીસ અહીં આવી છે. ડોક્ટરો હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું કહે છે. તેમની પાસે અમે રિપોર્ટ માનતા તેઓ હવે અમને પોલીસને અમે રિપોર્ટ આપીશું તેમ કહે છે. હાલ પોલીસે આવી પહોંચી છે અને અમે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા કરીશું.