મહુધા: રોંગ સાઈડમાં બાઇક હંકારી રહેલાં ધોરણ 12ના વિદ્યાર્થીનું કારની અડફેટે મોત
મહુધા, મહુધા રેસ્ટ હાઉસ ચોકડી નજીક નડિયાદ તરફથી પૂરપાટ બાઈક હંકારી રોન્ગ સાઈડે આવી રહેલ ધો. 12ના પરીક્ષાર્થીનો કાર સાથે અકસ્માત થતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે. સોમવારે બપોરે 3 વાગ્યે નડિયાદ થી મહુધા રેસ્ટહાઉસ ચોકડી તરફ એક બાઈક પર બે યુવકો પુરપાટ ઝડપે આવી રહ્યા હતા.
દરમિયાન કઠલાલ તરફથી એક અલ્ટો કાર નડિયાદ તરફ જઈ રહી હતી. બાઈક ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતા તેનું બાઈક સીધુ કાર સાથે અથડાયું હતું. જે ગમખ્વાર ઘટનામાં ધો.12 ની પરીક્ષા આપવા જઈ રહેલ નીલકુમાર પટેલનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
જ્યારે પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરના જણાવ્યા પ્રમાણે યુવકની સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર મામલે મહુધા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મરણ જનાર યુવકને પીએમ માટે મહુધા સીએચસી પર ખસેડવામાં આવ્યો હતો.