વાતાવરણમાં બદલાવથી આંબા પરનો મોર બળી ગયો
અમદાવાદ, ઉનાળો શરૂ થાય એટલે કેરીના રસિકો માર્કેટમાં ક્યારથી કેસર કેરી આવશે તેની રાહ જાેવા લાગે. માત્ર સુગંધથી જ મોંમાં પાણી લાવી દેતી તાલાલા પંથકની કેસર કેરીની માગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જબરદસ્ત છે.
જાે કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ કેસર કેરીનો પાક ખૂબ ઓછો થવાની શક્યતા છે. ગત વર્ષે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકેલા વાવાઝોડાએ ભયંકર વિનાશ નોતર્યો હતો. જેના કારણે લાખો ટન કેરીનો પાક ખરાબ થઈ ગયો હતો.
સ્થિતિ એવી હતી કે કેરીના મોટાપ્રમાણમાં જથ્થાને બહાર નિકાલ કરવાની જરૂર પડી હતી. આ વખતે પણ કંઈક એવી જ સ્થિતિ છે, પહેલા માવઠું અને બાદમાં વાતાવરણમાં સતત જાેવા મળેલો પલટો. પ્રતિકૂળ આબોહવાના કારણે કેસર કેરીનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે. આંબા પરનો મોર પણ બળી ગયો છે.
કેસર કેરી પકવતા ખેડૂતોને છેલ્લા બે વર્ષથી આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ થતાં કેરી આંબા પર જ રહી ગઈ હતી અને જ્યારે પ્રતિબંધ હટાવાયા ત્યાં સુધી તે ખાવાલાયક રહી નહોતી. જે બાદ ૨૦૨૧માં તાઉતે વાવાઝોડાએ ખેડૂતની આશા પર પાણી ફેરવવાનું કામ કર્યું હતું અને ૨૦૨૨માં એટલે કે આ વર્ષે માવઠું અને પ્રતિકૂળ આબોહવાથી નુકસાનની ભીતિ છે.
ખેડૂતોએ વિલંબ કર્યા વગર સર્વે કરાવીને કેસર કેરીના ઉત્પાદકોને યોગ્ય વળતર ચૂકવવાની તાલાલા પંથકની ૨૯ ગામની સહકારી મંડળીઓ માગ કરી છે.
તાલાલા પંથકની સહકારી મંડળીઓના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ખૂબ ઓછા પ્રમાણમાં કેસર કેરીનો પાક થવાનો છે. આંબા પરનો મોર બળી ગયો છે. સતત બે વર્ષથી ખેડૂતો આર્થિક નુકસાન સહન કરી રહ્યા છે, તેમને આમાંથી બહાર કાઢવા માટે સરકારે આગળ આવવું જાેઈએ.
જાે ખેડૂતોને સમયસર યોગ્ય વળતર નહીં મળે તો તેઓ આંબા કાપવા લાગશે અને વિશ્વભરમાં કેસર કેરીના કારણે ઉભી થયેલી તાલાલા પંથકની ઓળખ જતી રહેશે. સહકારી મંડળીઓએ તેમ પણ કહ્યું હતું કે, ‘પર્યાવરણ બચાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ત્યારે ખેડૂતો પ્રત્યે પણ થોડુ ધ્યાન આપવું જાેઈએ’. આ સિવાય મંડળીઓએ કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને આપેલું ચાલુ વર્ષનું બાગાયત પાક ધિરાણ માફ કરવા માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવાની માગ કરી હતી.SSS