બિહારમાં એકે-47થી 150 રાઉન્ડ ફાયરિંગ, એકનુ મોત

બિહાર, બિહારના કુખ્યાત સિવાન જિલ્લામાં એમએલસી ઈલેક્શન બાદ એક 47 થી 150 રાઉન્ડ ફાયરિંગ થતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.
આ હુમલો અપક્ષ ઉમેદવાર રઈસ ખાન પર કરાયો હતો. જેમાં એક વ્યક્તિનુ મોત થયુ છે અને રઈસ ખાનના બે સમર્થકો ઘાયલ થયા છે.
ચોંકાવનારી વાત એ છે કે, હુમલા માટે એકે 47નો ઉપયોગ થયો છે. એ કે 47 જેવી રાયફલ ગુનેગારો પાસે કેવી રીતે આવી તેની તપાસ પોલીસ કરી રહી છે.
રઈસ ખાનના કાફલા પર સોમવારની મોડી રાતે કુલ 150 રાઉન્ડ ફાયરિંગ કરાયુ હતુ. કાફલાની આગળની ગાડીમાં રઈસ ખાન હાજર હતા અને ગાડીની ઝડપ વધારે હોવાથી આ ગાડી બચી ગઈ હતી અને્ પાછળની ગાડીમાં બેઠેલા ત્રણ લોકોને ગોળીઓ વાગી હતી.
રઈસ ખાનનો આરોપ છે કે, મને જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષા પૂરી પડાઈ નહોતી. જે રીતે ફાયરિંગ થયુ છે તે જોતા મારી હત્યાનુ કાવતરૂ ઘડાયુ હતુ તેવુ દેખાય છે.
ઉલ્લેખનીય છે કે, સિવાનમાં શાહબુદ્દીનની મોત બાદ રઈસ ખાન અને તેમના ભાઈ સૌથી ચર્ચીત ગુનેગારો છે. તાજેતરમાં 3 યુવકોના અપહરણમાં બંને ભાઈઓના નામ ઉછળ્યા હતા.