ચીનના શાંઘાઈમાં કોરોનાનો હાહાકારઃ હોસ્પિટલોમાં બેડ ખૂટ્યા
નવી દિલ્હી, ચીનમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવવાનુ શરૂ કર્યુ છે અને તેમાં સૌથી ખરાબ હાલત દેશની આર્થિક રાજધાની ગણાતા શાંઘાઈની છે.
શાંઘાઈમાં સંપૂર્ણપણે લોકડાઉન લગાવાયુ છે અને લોકોને કારણ વગર ઘરમાંથી નિકળવા પર મનાઈ ફરમાવાઈ છે. સોમવારે અહીંયા 2.6 કરોડ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. શહેરનુ તંત્ર લોકોના ન્યુક્લિક એસિડ ટેસ્ટ કરી રહ્યુ છે. જેમાં ખોટુ પરિણામ આવવાની શક્યતા નહીવત છે.
તંત્રનુ કહેવુ છે કે, સોમવારે તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. માસ ટેસ્ટિંગ માટે બીજા શહેરના હેલ્થ વર્કર્સને બોલાવવામાં આવ્યા હતા. શાંઘાઈમાં કોરોનાના કારણે બગડી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સેનાને ઉતારવામાં આવી છે. 2000 સૈનિકો શહેરમાં તૈનાત કરાયા છે.
શાંઘાઈના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના સભ્યની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થયેલી છે. જેમાં આ વ્યક્તિ કહેતા સંભળાય છે કે, હોસ્પિટલોના કોરોના વોર્ડ હાઉસફુલ છે અને આઈસોલેશન સેન્ટરોમાં પણ જગ્યા નથી. એમ્બ્યુલન્સ પણ ખૂટી પડી છે, કારણકે સેંકડો કોલ આવી રહ્યા છે.
આ સભ્યે કહ્યુ હતુ કે, ઝીરો કોવિડ પોલીસીએ દુનિયામાં શાંઘાઈની ઈમેજ બદલી નાંખી છે. હવે સ્થિતિ એવી છે કે, આપણા કોરોના એક્સપર્ટને પાગલ ગણવામાં આવી રહ્યા છે. તેમની વાત સાંભળવા માટે કોઈ તૈયાર નથી.
શાંઘાઈમાં ખાવા પીવાની વસ્તુઓ પણ ખુટવા માંડી છે. સુપર માર્કેટ અને દુકાનોમાં સ્ટોક ખુટી રહ્યો છે. બીજા પ્રાંતમાંથી શહેરમાં આવતી ડિલિવરી પર પણ રોક લગાવી દેવાઈ છે. ઝીરો કોવિડ પોલિસી સામે લોકોના રોષનુ આ પણ એક કારણ છે.
લોકોને આઈસોલેટ કરવા માટે જગ્યા નથી બચી અને કોરોના પોઝિટિવ લોકોને બીજા શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે. દરેક રાજ્યમાં હજારથી બે હજાર લોકોને મોકલાઈ રહ્યા છે. વુહાનમાં પણ ચીને આ જ પ્રકારનુ મોડેલ લાગુ કર્યુ હતુ.